ગુજરાતનેશનલ

Ekta Nagar Anandamath Natak: PM Narendra Modiની હાજરીમાં 300 કલાકારોનું ભવ્ય મંચન

સરદાર પટેલની 151મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 300 કલાકારોએ 90 મિનિટ સુધી રજૂ કરી ઐતિહાસિક ગાથા

રાજપીપળા: સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની પૂર્વસંધ્યાએ એકતાનગર ખાતે ઇતિહાસ, સાહિત્ય અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન કરવામાં આવ્યું હતું. ‘વંદે માતરમ્’ના અમર સૂર સાથે રજૂ થયેલી આ નાટ્યપ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોમાં રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણની ભાવના જગાવી હતી.

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના 300 પ્રશિક્ષિત કલાકારોએ 100×100 ફૂટના વિશાળ મંચ પર 90 મિનિટ સુધી આ નાટ્યપ્રસ્તુતિ કરી હતી. ભવ્ય મંચસજ્જા, સામૂહિક અભિનય, સંગીત, ઓડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને આકર્ષક પ્રકાશ વ્યવસ્થાના સમન્વયથી સ્વાતંત્ર્યસંગ્રામના ઐતિહાસિક પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ‘વંદે માતરમ્’ની ગાથા રજૂ થઈ ત્યારે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઊઠ્યું હતું. દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે કલાકારોને બિરદાવ્યા હતા.

બંકિમચંદ્રના પરિવારજનોએ પણ નિહાળ્યું નાટક

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વિશેષ આમંત્રણથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો શાંતનુ ચટ્ટોપાધ્યાય, બરનાલી ચટ્ટોપાધ્યાય અને સુમિત્રો ચટ્ટોપાધ્યાય પણ આ ઐતિહાસિક પ્રસ્તુતિ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પૂર્વજની અમર કૃતિને આટલા ભવ્ય સ્વરૂપમાં રંગમંચ પર જીવંત થતી જોઈ તેઓ ભાવવિભોર થયા હતા. નાટક પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારજનો સાથે મુલાકાત કરી આત્મીય સંવાદ કર્યો હતો.

1882માં લખાયેલી નવલકથામાંથી જન્મ્યું ‘વંદે માતરમ્’

ઉલ્લેખનીય છે કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વર્ષ 1882માં ‘આનંદમઠ’ નવલકથાની રચના કરી હતી. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન આ કૃતિ પ્રેરણાનું પ્રતીક બની હતી. આ જ નવલકથામાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’નો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 1952માં આ નવલકથા પરથી હેમેન ગુપ્તાના દિગ્દર્શનમાં હિન્દી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી આ પ્રસ્તુતિએ સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન અને ‘આનંદમઠ’માં વ્યક્ત થયેલી માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠાને એક મંચ પર રજૂ કર્યા હતા. નવી પેઢીને ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામની પ્રેરણાદાયી વિરાસત સાથે જોડવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ એકતાનગર માટે યાદગાર સાંસ્કૃતિક પ્રસંગ બન્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button