બિઝનેસસુરત

સ્ટીમહાઉસ ઇન્ડિયાના નફામાં 167%નો ઉછાળો, બીજી ત્રિમાસિકમાં ₹7.77 કરોડનો ચોખ્ખો નફો

સ્ટીમની આવક 43.62% વધીને ₹122.53 કરોડ થઈ, હરિયાણામાં ₹500 કરોડના સંભવિત ઔદ્યોગિક રોકાણની તકો પણ તપાસશે કંપની

સુરત: ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપની સ્ટીમહાઉસ ઇન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યાં છે. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીએ સ્ટીમના વ્યવસાયમાંથી ₹122.53 કરોડની આવક, ₹24.68 કરોડનો EBITDA અને ₹7.77 કરોડનો ચોખ્ખો નફો (PAT) નોંધાવ્યો છે.

ગત નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની સ્ટીમમાંથી આવક ₹85.31 કરોડ, EBITDA ₹14.24 કરોડ અને ચોખ્ખો નફો ₹2.91 કરોડ રહ્યો હતો. આ રીતે વાર્ષિક ધોરણે આવકમાં 43.62 ટકા, EBITDAમાં 73.38 ટકા અને ચોખ્ખા નફામાં 167.14 ટકાનો વધારો નોંધાયો છે.

સ્ટીમના વેચાણમાં 12.06 ટકાનો વધારો

કંપનીના આંકડા અનુસાર, બીજા ત્રિમાસિક ગાળામાં કુલ 3,01,642 ટન સ્ટીમનું વેચાણ થયું હતું. ગત વર્ષે સમાન સમયગાળામાં આ આંકડો 2,69,185 ટન હતો. આમ, સ્ટીમના વેચાણમાં વાર્ષિક ધોરણે 12.06 ટકાનો વધારો થયો છે.

જોકે, પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ બીજા ત્રિમાસિકમાં કંપનીના નાણાકીય પ્રદર્શનમાં ઘટાડો નોંધાયો હતો. પ્રથમ ત્રિમાસિકમાં સ્ટીમમાંથી આવક ₹123.37 કરોડ હતી, જે બીજા ત્રિમાસિકમાં ઘટીને ₹122.53 કરોડ થઈ હતી. EBITDA ₹30.93 કરોડથી ઘટીને ₹24.68 કરોડ અને ચોખ્ખો નફો ₹18.34 કરોડથી ઘટીને ₹7.77 કરોડ રહ્યો હતો.

ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર

સ્ટીમહાઉસ ઇન્ડિયા કમ્યુનિટી બોઇલર સુવિધાઓ અને પાઇપલાઇન નેટવર્ક દ્વારા ઔદ્યોગિક એકમોને સ્ટીમ ઉપલબ્ધ કરાવે છે. કંપની નાઇટ્રોજનના ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં પણ કાર્યરત છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિશાલ એસ. બુધિયાએ જણાવ્યું હતું કે લિસ્ટેડ કંપની તરીકે આગળ વધતાં મેનેજમેન્ટનું ધ્યાન કાર્યક્ષમતા વધારવા, શિસ્તબદ્ધ અમલીકરણ અને ઔદ્યોગિક ગ્રાહકો માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર છે. કંપની સ્ટીમ અને નાઇટ્રોજનના વ્યવસાયને મજબૂત બનાવવા ઉપરાંત મૂડીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને આયોજનબદ્ધ વિસ્તરણ ચાલુ રાખશે.

હરિયાણામાં ₹500 કરોડના સંભવિત રોકાણની તકો

કંપનીએ તાજેતરમાં હરિયાણા સરકારના હરિયાણા એન્ટરપ્રાઇઝિસ પ્રમોશન સેન્ટર (HEPC) સાથે ₹500 કરોડના સંભવિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અંગે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર હેઠળ હરિયાણામાં કમ્યુનિટી બોઇલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા તેમજ ઔદ્યોગિક ક્લસ્ટરોમાં સ્ટીમના ઉત્પાદન અને વિતરણ સંબંધિત તકોનો અભ્યાસ કરવામાં આવશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સમજૂતી માત્ર સંભવિત તકોની તપાસ માટે કરવામાં આવી છે. તેને કોઈ પ્રોજેક્ટની ફાળવણી અથવા ચોક્કસ સુવિધાના નિર્માણની પ્રતિબદ્ધતા તરીકે ગણવી નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button