પીપલોદના કારગીલ ચોક ખાતે કારગીલ યુદ્ધના વીર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
પોલીસ જવાનોના બ્યુગલની ધૂન સાથે મેયર અને મ્યુ.કમિશનર અને બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી
સુરત:મંગળવાર: તા.૨૬ જુલાઈ-કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં દેશની સુરક્ષા કાજે શહીદ થયેલા તમામ વીર સૈનિકોને કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે, પીપલોદ ખાતે મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની સહિત પદાધિકારી-અધિકારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
કારગીલ ચોકના શહીદ સ્મારક પર પોલીસ જવાનોના બ્યુગલની ધૂન સાથે ફૂલમાળા અર્પણ કરી દેશની સુરક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને સૌએ સલામી આપી હતી. કારગીલ યુદ્ધમાં સામેલ જવાનો, પૂર્વ સૈનિકો અને ફોજી ગૃપના જવાનો, લાન્સર્સ આર્મી સ્કુલના બાળકોનું બેન્ડ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નોંધનીય છે કે, કારગીલ યુદ્ધના નાયકોના સન્માનમાં, શહીદોની યાદમાં દર વર્ષે ૨૬ જુલાઈના રોજ કારગીલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે.
આ વેળાએ ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, શાસકપક્ષ નેતા અમિતસિંગ રાજપુત, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા પૂર્ણિમાબેન દાવલે, વિવિધ સમિતિના અધ્યક્ષો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા