ગુજરાત

લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

અસરગ્રસ્ત ૧પ જિલ્લાના ૧૧ર૬ ગામોમાં ૩.૧૦ લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રી રાજ્યના જે ૧પ જિલ્લાઓના પશુધનમાં આ રોગના કેસો નોંધાયા છે તે જિલ્લાઓમાં અસરગ્રસ્ત ગામની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે વ્યાપક રસીકરણ માટે સૂચનાઓ આપી હતી.

આ અંગેની તાત્કાલિક કાર્યવાહી કેમ્પેઈન મોડમાં કરવા તેમણે સુચના આપી હતી. ખાસ કરીને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદના ધોરણે સારવાર અને એડવાઈઝરી મુજબ રસીકરણની કામગીરીને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને આ માટે જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા  ભૂપેન્દ્ર પટેલે પશુપાલન વિભાગને સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત આ રોગ હવે વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ જરૂરી નિયંત્રણના પગલાં લેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. લમ્પી સ્કીન ડિસીઝ એ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતો વાયરસજન્ય રોગચાળો છે.

આ રોગચાળો રાજ્યમાં જામનગર, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લાના ૧૧ર૬ ગામોમાં જોવા મળ્યો છે અને આ જિલ્લાઓના કુલ મળીને ૪૧,ર૪૩ પશુઓ આ રોગચાળાથી અસરગ્રસ્ત થયેલા છે.

આ જિલ્લાઓના અસરગ્રસ્ત ગામમાં રોગીષ્ટ પશુઓને તાત્કાલિક અલગ કરી, સ્વસ્થ પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી ૩.૧૦ લાખ નિરોગી પશુઓમાં રસીકરણ કરવામાં આવેલું છે.  મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કૃષિ-પશુપાલન મંત્રી  રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી શ્રી દેવાભાઇ માલમ, મુખ્ય સચિવ  પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

લમ્પી સ્કીન ડિસીઝ રોગના સર્વે, રસીકરણ અને સારવારની કામગીરીના હેતુસર ૧પર પશુચિકિત્સા અધિકારીઓ તથા ૪૩૮ પશુધન નિરીક્ષકોને અસરગ્રસ્ત ગામોમાં કામગીરી સોંપવામાં આવી છે તેમ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પશુપાલન વિભાગે આ લમ્પી સ્કીન ડિસીઝ રોગ નિયંત્રણ, સારવાર માટે લીધેલા પગલાંઓનું વિસ્તૃત પ્રેઝન્ટેશન કરતા જણાવ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મોબાઇલ પશુદવાખાનાના વધારાના ર૬૯ જેટલા વેટરનરી ડૉક્ટર્સ અને કરૂણા એમ્બ્યુલન્સની સેવાઓ પણ લેવામાં આવી રહી છે.

આ ઉપરાંત જરૂરિયાત અનુસાર સ્થાનિક વહિવટી તંત્ર અને સહકારી ડેરીના માનવબળનો ઉપયોગ પણ કરાશે.  રાજ્યના પશુપાલકોને આ લમ્પી સ્કીન ડિસીઝ અંગે ઉદભવતા પ્રશ્નો તથા રોગ અંગેની જરૂરી જાણકારી માટે પશુપાલન વિભાગના અધિકારીઓની સેવા જીવીકે-ઇએમઆરઆઇ ના કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર ૧૯૬ર પર 24×7 ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ પણ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા આ રોગના નિયંત્રણ માટે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું યોગ્ય પાલન કરીને પશુધનમાં રોગચાળો અટકાવવાના ઉપાયો અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં ખાસ તાકીદ કરી હતી. જે જિલ્લાઓમાં આ રોગચાળો વ્યાપક પ્રમાણે જોવા મળ્યો છે તેવા જિલ્લાઓમાં ઇતરડી, બગાઇ, માખી, ચાંચડ, મચ્છર જેવા રોગવાહકોનું નિયંત્રણ કરવાની સૂચના પણ આપવામાં આવેલી છે.  પશુઓના સમ્પર્કમાં આવનારી જગ્યાઓ કોંઢ, ગમાણ અને વાહનોની સફાઇ તેમજ ડિસઇન્ફેકશન કરવા પણ તાકીદ કરવામાં આવેલી છે.

કૃષિ અને પશુપાલન મંત્રી  રાઘવજીભાઇ પટેલે આ રોગ અંગે પશુપાલન પ્રભાગ દ્વારા થયેલ કામગીરી અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે આ અંગે સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આ રોગના સર્વે, નિયંત્રણ અને પશુપાલકોમાં જાગૃતતા અંગે વધુ સઘન પ્રચાર-પ્રસાર કરવા ભાર મુકવામાં આવ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button