કારગિલ વિજય દિવસ પર TLSU દ્વારા ભારતના બહાદુર સૈનિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
વિદ્યાર્થીઓને કારગીલ વિજય દિવસના મહત્વ વિશે જાગૃત કરવા “ઓપરેશન વિજય” પર ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી
વડોદરા:- 26મી જુલાઈના રોજ યુદ્ધમાં ભારતની જીતની યાદમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમની હિંમત અને બલિદાનથી દેશની સરહદોનું રક્ષણ કરવામાં મદદ મળી એવા કારગીલના પરાક્રમી અને બહાદુર શહીદોને ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU)એ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
કાર્યક્રમ ની શરૂઆત કરતા TLSU સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મીણબત્તીઓ પ્રગટાવી, બે મિનિટનું મૌન પાળ્યું અને કારગીલના નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિદ્યાર્થીઓને કારગીલ વિજય દિવસના મહત્વ વિશે જાગૃત કરવા ઓપરેશન વિજય પર ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ દેશભક્તિની કવિતાઓ અને પ્રેરણાદાયી ગીતો ગાયા હતા.
ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, પ્રો. (ડૉ.) અવની ઉમટએ વિદ્યાર્થીઓને સંબોધતાં માતૃભૂમિ માટે ભારતીય સૈનિકોની નિ:સ્વાર્થ સેવા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે “દેશની સરહદોની રક્ષા કરતા આપણા સૈનિકોની બહાદુરી અને હિંમત જ આપણને શાંતિથી જીવવામાં અને જીવનનો આનંદ માણવામાં મદદ કરે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રોજેરોજ જ્યારે સૈનિકના બલિદાન વિશે મીડિયામાં સમાચાર આવે છે ત્યારે તેની અસર માત્ર એક પરિવારને જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રને થાય છે, તેથી આજના યુવાનોએ સમાજ પ્રત્યે સંવેદનશીલ બનવાની જરૂર છે.
પ્રોફેસર (ડૉ.) અવની એ સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ચલાવવામાં આવતા દેશભક્તિ કાર્યક્રમ ‘ હર ઘર તિરંગા ‘ જેવી પહેલના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે તમામ વિદ્યાર્થીઓએ તેમના પરિવાર અને દેશ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમનું આયોજન લાઈફ સ્કીલ વિભાગના સહયોગથી TLSU ના NSS યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. (ડૉ.) એચ.સી. ત્રિવેદી અને વિવિધ વિભાગોના વિભાગીય વડાઓ અને અધ્યાપકો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થિયોને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને અનુરૂપ, ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત ઔદ્યોગિક રોજગાર મેળામાં પણ TLSUએ ભાગ લીધો હતો.