ટ્રેનની સમસ્યા ઉકેલાઈ નથી, યુપીમાં ભાજપને ભોગવવું પડશે-કોંગ્રેસ
કોંગ્રેસે અવધ-પૂર્વાંચલ વિસ્તારના અગ્રણીઓની બેઠક યોજી
૨૦૨૨ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટીએ જોર લગાવ્યો છે. ચૂંટણી યુપીમાં છે પણ સુરતમાં પણ હલચલ જોવા મળી રહી છે. રવિવારે સહારા દરવાજા સ્થિત રાજીવ ગાંધી નગર ખાતે કોંગ્રેસના અવધ-પૂર્વાંચલ વિસ્તારના અગ્રણીઓની બેઠક મળી હતી.
બેઠકમાં હાજર રહેલા યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે યુપીમાં ત્રણ દાયકાઓથી એકાંતરે સપા, બસપા અને બીજેપીનું શાસન છે અને આ દરમિયાન ઉત્તર પ્રદેશની સ્થિતિ દરેક બાબતમાં ખરાબથી ખરાબ થઈ ગઈ છે. આજે યુપી ગુન્હાખોરી, ભ્રષ્ટાચાર, ભૂખમરો, અને બેરોજગારીનો શિકાર છે, આ સાથે આરોગ્ય, શિક્ષણ અને કાયદા વ્યવસ્થાની દ્રષ્ટિએ સૌથી પછાત રાજ્યોમાં છે. યોગીની સરકારમાં દલિત, બ્રાહ્મણ, પછાત, લઘુમતી, આદિવાસીઓ, ગરીબો, મજૂરો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત દરેક જાતિ અને વર્ગના લોકોને ખરાબ રીતે સતામણી કરવામાં આવી છે, આવી પરિસ્થિતિઓમાં હવે યુપી પાસે કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.
શહેર ઈંટુક પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ કહ્યું હતું કે ભાજપે અમારી ટ્રેનની માંગણીનો ઉકેલ લાવ્યો નથી, અમારે યુપીની ચૂંટણીમાં તેનો બદલો લેવો છે. આપણને ટ્રેનની સીટો માટે તરસાવવા વાળાઓને વિધાનસભાની સીટો માટે તરસાવી દો.
આ પ્રસંગે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન અને શહેર ઈંટુકના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે અમે કોવિડ પ્રોટોકોલના કારણે મોટા કાર્યક્રમો નહીં કરશું પરંતુ સુરતમાં યુપી રહેવાસીઓના વિસ્તારોમાં ગ્રુપ મીટિંગો, નુક્કડ ચૌપાલ યોજી યુપીમાં ભાજપને હરાવવા અને કોંગ્રેસને જીતાવવા માટે લોકોને પ્રેરિત-પ્રોત્સાહિત કરશું.
બેઠકમાં યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન, શહેર ઈંટુકના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, કરુણાશંકર તિવારી, અવધેશ મૌર્ય, શશિ દુબે, સંતોષ સિંહ રાજપૂત, રોશન મિશ્રા, સત્યદેવ કેવટ, સુનાલ શેખ, અનંજય પાંડે, રામપ્રકાશ નિષાદ, પપ્પુ મિશ્રા, પરશુરામ શુકલા, રાજેન્દ્ર કેવટ, વેદ પ્રકાશ દુબે, સત્યદેવ યાદવ, વિમલ પાંડે સહિત મોટી સંખ્યામાં અવધ-પૂર્વાંચલ વિભાગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.