એજ્યુકેશન

વેસુ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભગવાન મહાવીર યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો

૧૦ વિદ્યાશાખાઓના ૮૬૧ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

સુરત: વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ ફાર્મસી, બેચલર ઓફ એજ્યુકેશન, માસ્ટર ઓફ એજ્યુકેશન, બેચલર ઓફ કોમ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન, બેચલર ઓફ લો, ફિઝિકલ એજ્યુકેશન, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનીસ્ટ્રેશન, માસ્ટર ઓફ કોમ્યુટર એપ્લિકેશન એમ ૧૦ વિદ્યાશાખાના ૮૬૧ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી. જેમાંથી ૧૪ને ગોલ્ડ અને ૧૪ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અર્પણ કરાયા હતા.

આ પ્રંસગે દીક્ષાંત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓ ડિગ્રી પ્રાપ્ત કરી જાહેરજીવનમાં ડગ માંડવા જઈ રહ્યા છે, ત્યારે જીવનના યુવાકાળ દરમિયાન કરેલ શ્રેષ્ઠ તપસ્યા અને મહેનતથી જીવનમાં આગળ વધીએ. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજના હિત માટે મૂલ્યનિષ્ઠતા અને પ્રમાણિકતા સાથે યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ-યુનિવર્સિટી દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ-ઉત્કર્ષ માટે જ નહીં, પણ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે આચાર્યશ્રી મહાશ્રમણજીએ વિદ્યાર્થીઓને જીવન અને જ્ઞાનના પાઠ વિષે પ્રવચન આપ્યું હતું. નોંધનીય છે કે, આચાર્યશ્રી મહાશ્રમણજીએ હજારો કિમીની યાત્રા કરીને લોકોને સદાચારની રાહ પર ચાલવા માટે પ્રેરિત કર્યા છે, જેમને ધ્યાન, યોગ અન્ય પ્રશિક્ષણ આપી તેમની દૂર્ગુણોને દૂર કર્યા છે.

આ પ્રસંગે ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેનશ્રી જગદીશ જૈન, ટ્રસ્ટીશ્રી અનિલ જૈન, પ્રેસિડેન્ટ ડૉ.સંજય જૈન, રજિસ્ટ્રાર ડૉ.વિજય માતવાલા, ગવર્નિંગ બોડીના સભ્યો, ટ્રસ્ટીગણ, પ્રાધ્યાપકો, દીક્ષાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦-

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button