સુરત

મેનેજમેન્ટનો પ્રથમ સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, સારું જ્ઞાન મેળવવું જેથી વ્યવસાયમાં સફળ થઇ શકાય : સીએ કેવલ્ય સ્માર્ત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ થી તા. ૧૦ ફ્રેબ્રુઆરી, ર૦ર૩ દરમ્યાન સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે વિશિષ્ટ કાર્યક્રમ ‘ભગવદ્દ ગીતા – મેનેજમેન્ટની શ્રેષ્ઠ માર્ગદર્શિકા – ગીતા પંચામૃત’શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે મંગળવાર, તા. ૭ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે શ્રી અરવિંદ સોસાયટી પોંડીચેરીના એકઝીકયુટીવ મેમ્બર સીએ કેવલ્ય સ્માર્ત દ્વારા ‘ગીતા – મેનેજમેન્ટની માર્ગદર્શિકા’વિષે વકતવ્ય રજૂ કરી જીવન તથા વ્યવસાયમાં સફળ થવા માટે કઇ કઇ બાબતોને અનુસરવી તે અંગે ગીતાના વિવિધ શ્લોકોમાં અપાયેલા સાર થકી જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સંસ્થાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક મેનેજર કે લીડર જ્યારે નિર્ણય લેવા જાય છે ત્યારે તેઓને પણ પોતાના મનની ચંચળતાના કારણે ઘણા વિચારો આવે છે. તેમાં એક જ પ્રશ્ન અંગે વિવિધ નિરાકરણની શકયતા દેખાય છે, ઉપલબ્ધ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો ? તે નક્કી કરવું ઘણી વાર અઘરું થઇ જાય છે. મોડર્ન મેનેજમેન્ટમાં કન્ફલીકટ મેનેજમેન્ટ વિષય પણ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે, એટલે કે એક લીડર જ્યારે એક જ પ્રશ્ન ઉપર બે વિરોધાભાસી વિચારોમાંથી કોઈ એકનો વિકલ્પ સ્વીકારવાનો હોય તો નિર્ણય કઈ પદ્ધતિ અનુસાર કરવો ? તેની સમજણ ભગવદ્‌ ગીતામાં આપવામાં આવી છે.

ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના પ્રમુખ સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, વ્યવસાયમાં સફળ થવા માટે મેનેજમેન્ટ સૌથી જરૂરી છે. જેનું Money, Man અને Material નું મેનેજમેન્ટ સારું હોય તે જે સફળતા પ્રાપ્ત કરી શકે પરંતુ સફળતા પછી લક્ષ્મી આવે એટલું અગત્યનું નથી પણ શુભ લક્ષ્મી આવવી જોઇએ. આ શુભ લક્ષ્મી પ્રમાણિકતા અને નૈતિકતાથી આવે એ મહત્વનું છે. વ્યવસાય અને સમાજ પ્રત્યેની નૈતિકતા કેળવાય એ પણ અગત્યનું છે.

સીએ કેવલ્ય સ્માર્તે જણાવ્યું હતું કે, જીવનમાં દરેક ક્ષણે પોતાની સ્વસ્થતા જાળવવી એ ગીતા શીખવાડે છે. જીવનમાં કયારેય પ્રિય વસ્તુથી અતિ ઉત્સાહમાં આવી જવું નહીં અને એના માટે દુઃખી પણ થવું નહીં. મોટા ભાગે લોકો જીવનમાં તેમજ વ્યવસાયમાં અગત્યની ક્ષણે હતાશ થઇ જાય છે. આથી આવા સમયે મેનેજમેન્ટમાં Hierarchy મહત્વનું બને છે. મેનેજમેન્ટનો પ્રથમ સિદ્ધાંત જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. સારું જ્ઞાન મેળવવું જેથી કરીને વ્યવસાયમાં સફળ થઇ શકાય. જો કે, જ્ઞાન પ્રાપ્ત થયા બાદ કયારેય અજ્ઞાન વ્યકિતનો બુદ્ધિભેદ કરવો નહીં. એટલે કે તું અજ્ઞાની છે અથવા તો તને કશું આવડતું નથી એવું કહીને તેને અપમાનિત નહીં કરવો જોઇએ.

તેમણે વધુમાં કહયું કે, ગીતા આપણને નૈતિકતાના પાઠ ભણાવે છે. એટલે ગીતાના મહાસાગરમાં મરજીવો બની ડૂબકી મારી જ્ઞાન પ્રાપ્ત કરશો તો સફળતા ચોકકસપણે મળશે. જ્ઞાની પુરુષોએ હંમેશા સમાજના ઉત્થાન માટે પોતાના કાર્યમાં રચ્યાંપચ્યાં રહેવું જોઇએ. પોતાના વ્યવહારથી જ અન્યોને પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે કહયું હતું કે, વ્યકિત જાતે જ પોતાનો વિકાસ અને ઉદ્ધાર કરી શકે છે. વ્યકિત પોતાની ઉન્નતિ અથવા દુર્ગતિ માટે પોતે જ જવાબદાર હોય છે, આથી બીજાને દોષ આપવાને બદલે પોતે જવાબદારી સ્વીકારવી જોઇએ.

તેમણે વ્યવસાયિકોને કર્મચારીઓના ત્રણ ગુણો જેવા કે સત્વ, રજસ અને તમસ પરથી તેઓને ઓળખવાની સમજણ આપી હતી. તેમણે કહયું કે સત્વ ગુણ ધરાવનાર વ્યકિત જ્ઞાન, પ્રકાશ અને સિદ્ધાંતનું કાર્ય કરે છે. રજસ ગુણ ધરાવનાર વ્યકિત ઉત્સાહથી કર્મ અને રાજકરણ કરી અથાગ પરિશ્રમ કરી શકે છે. જ્યારે તમસ ગુણ ધરાવનાર વ્યકિત આળસમાં પડી રહેશે અને કામ કરશે નહીં. દરેક કાર્યમાં સફળ કેવી રીતે થવું ? એ ગીતા શીખવાડે છે. કર્મચારીઓ માટે તેમણે જણાવ્યું હતું કે સંસ્થા તથા કંપનીઓ, કામ કોણ કરે છે, એની કાર્ય પદ્ધતિ અને ભાગ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે તેઓને સફળતા મળે છે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના મહિલા સંયોજિકા રંજના પટેલ કાર્યક્રમમાં હાજર રહયાં હતાં. વકતાએ શ્રોતાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના માનદ્‌ મંત્રી વિપુલ જરીવાલાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button