સુરત

આરબીઆઇની રિવ્યુ કમિટી સાથે ઉદ્યોગકારોએ બેંકો તરફથી મળતી સર્વિસ વિષે ચર્ચા કરી બિઝનેસ માટે ઉદ્‌ભવતા વિવિધ પ્રશ્નો રજૂ કરી જરૂરી સૂચનો આપ્યા

ઉદ્યોગકારોના સૂચનો આરબીઆઇ સમક્ષ રજૂ કરવા આરબીઆઇની રિવ્યુ કમિટીના અધિકારીઓએ ખાતરી આપી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧૪ સપ્ટેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિવ્યુ કમિટી સાથે ઉદ્યોગકારોની ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરબીઆઇના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર તેમજ રિવ્યુ કમિટીના ચેરમેન બી.પી. કાનુન્ગો, એ.કે. શર્મા (ઇડી, આરબીઆઇ મેમ્બર), પંજાબ નેશનલ બેંકના સીએમડી એ.કે. ગોયલ અને આનંદ (જનરલ મેનેજ, સીઇપીડી) ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ મિટીંગમાં સર્વેને આવકાર્યા હતા તથા ટેકસટાઇલ, ડાયમંડ અને જેમ એન્ડ જ્વેલરી વિગેરે ઇન્ડસ્ટ્રીઝમાંથી ઉપસ્થિત ઉદ્યોગકારોને બેંકોની સર્વિસ સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા માટે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગકારોએ સહકારી બેંકો, ખાનગી બેંકો અને સરકારી બેંકો તરફથી મળતી સર્વિસ વિષે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. સાથે જ તેઓને બિઝનેસ માટે ઉદ્‌ભવતા પ્રશ્નો કમિટી સમક્ષ રજૂ કરી મહત્વના સૂચનો આપ્યા હતા.

ઉદ્યોગકારો દ્વારા એસએમઇ અને એમએસએમઇ ઉદ્યોગો માટે ઝડપી લોન મળી રહે તે માટે સુવિધા ઉભી કરવા, નેટ બેન્કીંગ માટેના ચાર્જિસ નાબૂદ કરવા, રોડટેપ ક્રેડીટ ફાસ્ટ હોવી જોઇએ, બેંકો મર્જ થયા બાદ ચેક કલીયરીંગ માટે વધુ દિવસ લાગતા હોય છે, ડિજીટલ પેમેન્ટના બેન્ક ચાર્જિસ વિષે, બેંકો દ્વારા લગાવવામાં આવતી પ્રી–પેમેન્ટ પેનલ્ટી વિષે અને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને બેંક તરફથી ફન્ડીંગ મળતું ન હોવાને કારણે ઉદ્યોગને પડતી મુશ્કેલી સંદર્ભે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા તથા સૂચનો આપવામાં આવ્યા હતા.

આરબીઆઇની રિવ્યુ કમિટીના ચેરમેન બી.પી. કાનુન્ગોએ જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકામાં જરૂરી ફેરફારો કરી બેંકો તરફથી ઉદ્યોગકારોને વધુ સારી સર્વિસ આપી શકાય તે માટે ઉદ્યોગકારો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ સૂચનો આરબીઆઇ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન વિજય મેવાવાલાએ આરબીઆઇની રિવ્યુ કમિટી સાથે ઉદ્યોગકારોના ઇન્ટરેકટીવ મિટીંગનું સંચાલન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button