
સુરત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે સુરત શહેર અને જિલ્લાને 410.37 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપી હતી. સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) અને જિલ્લા વહીવટી તંત્રના 211.65 કરોડના 37 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે 198.72 કરોડના 13 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શહેરી વિકાસના ક્ષેત્રમાં સુરત સમગ્ર દેશ માટે રોલ મોડેલ બન્યું છે. વર્ષ 2047 સુધી ગુજરાતને 3.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યાંકમાં સુરતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.
શહેરી વિકાસ માટે 4,363 કરોડની ગ્રાન્ટ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરીકરણને પડકારને બદલે તક તરીકે સ્વીકાર્યું છે, જેના પરિણામે શહેરો વિકાસનાં એન્જિન બન્યાં છે. વર્ષ 2010માં શરૂ કરાયેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષમાં સુરતને 4,363 કરોડથી વધુની ગ્રાન્ટ મળી છે. રાજ્ય સરકારે શહેરી વિકાસ માટે બજેટમાં 30,000 કરોડની ફાળવણી કરી છે.
સુરતને વધુ સુવિધાયુક્ત, સ્વચ્છ, હરિયાળું અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરમાં 115 કિલોમીટરનો BRTS કોરિડોર સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસો સાથે ગ્રીન કોરિડોર બન્યો છે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ દ્વારા BRTS, મેટ્રો અને સિટી બસની કનેક્ટિવિટી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
2030 સુધી 100 ટકા રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય
મુખ્યમંત્રીએ વર્ષ 2030 સુધી 100 ટકા રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હાંસલ કરવા માટે આશરે 800 કરોડનો રોડમેપ તૈયાર કરવા બદલ મહાનગરપાલિકાની પ્રશંસા કરી હતી. ‘કેચ ધ રેઇન’ અભિયાન હેઠળ જળસંચય માટે સુરત દ્વારા કરવામાં આવતા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સુરતનો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) મોડેલ સમગ્ર દેશ માટે બેન્ચમાર્ક બન્યો છે. ‘રિડ્યુસ, રિસાઇકલ અને રિયૂઝ’ના સિદ્ધાંત પર આધારિત આ મોડેલથી ખર્ચમાં ઘટાડો થવાની સાથે આવકનો નવો સ્ત્રોત પણ ઊભો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે સુરતના મોડેલને અપનાવીને નવા STP પ્લાન્ટ્સ દ્વારા આશરે 11,000 કરોડની બચત થઈ છે.



