સુરત

સુરતના પ્રો. કિરણકુમાર દોમાડિયાને દિલ્હીમાં રાષ્ટ્રીય શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ

નર્સિંગ શિક્ષણ ક્ષેત્રે 34 વર્ષના યોગદાનની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ, ‘નેશનલ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રિન્સિપાલ એવોર્ડ-2026’થી સન્માનિત

સુરત: સુરતની ટી. એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના આચાર્ય પ્રો. કિરણકુમાર વી. દોમાડિયાને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણમાં નોંધપાત્ર યોગદાન બદલ રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે તેમને ‘નેશનલ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રિન્સિપાલ એવોર્ડ-2026’ (રાષ્ટ્રીય શ્રેષ્ઠ આચાર્ય સન્માન) એનાયત કરવામાં આવ્યો હતો.

17 ઓક્ટોબર, 2026ના રોજ નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે આયોજિત ‘વિશ્વ ગુરુ ભારત : રાષ્ટ્રીય સંમેલન’ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રો. દોમાડિયા છેલ્લા 34 વર્ષથી નર્સિંગ શિક્ષણ, ક્લિનિકલ સેવાઓ, શૈક્ષણિક વહીવટ, સંશોધન અને નર્સિંગ વ્યવસાયના વિકાસ માટે કાર્યરત છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, વ્યવસાયિક મૂલ્યો અને સમાજલક્ષી આરોગ્યસેવાઓ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે.

તેઓ વર્ષ 2001થી 2005 દરમિયાન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, 2008થી 2023 સુધી સતત 15 વર્ષ ટ્રેઇન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા (TNAI)ની ગુજરાત શાખાના સચિવ તરીકે રહી નર્સિંગ વ્યવસાયના સંગઠન, વિકાસ અને નર્સિંગ કર્મચારીઓના વ્યાવસાયિક ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

પ્રો. દોમાડિયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય તરીકે પણ નર્સિંગ અભ્યાસક્રમ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના કાર્યમાં યોગદાન આપી ચૂક્યા છે. તેઓ ગુજરાત યુનિવર્સિટી તથા ગવર્નમેન્ટ કોલેજ ઓફ નર્સિંગ, સુરતના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. સાથે જ સુરતની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈ શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે સક્રિય કામગીરી કરી રહ્યા છે.

તેમની આ સિદ્ધિથી સુરત, દક્ષિણ ગુજરાત અને સમગ્ર નર્સિંગ શિક્ષણજગતમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નર્સિંગ ક્ષેત્રના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button