નર્મદ યુનિવર્સિટીના સ્પર્ધાત્મક પરીક્ષા કેન્દ્રમાં દિવ્યાંગોને ભરતી પરીક્ષાઓની તૈયારી માટે નિ:શુલ્ક પ્રવેશ અપાશે: કુલપતિ ડો.કે.એન.ચાવડા
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ અંતર્ગત દિવ્યાંગ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
સુરતઃ વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટી અને દિવ્યાંગ પ્રગતિ મંડળ-સુરતના સંયુક્ત ઉપક્રમે તા.૩ ડિસેમ્બર: વિશ્વ દિવ્યાંગ દિવસે કુલપતિ ડો.કે.એન.ચાવડાના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો દ્વારા પાંચ ટીમ બનાવીને સિટિંગ વોલીબોલ મેચ યોજાઈ હતી, જેમાં પાંચ ટીમમાં ૪૫ થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા જાહેર કરાયા હતા.
કુલપતિ ડો.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, યુનિવર્સિટીની પ્રવૃત્તિઓમાં દિવ્યાંગોની પણ અવશ્ય સહભાગિતા રહે છે. યુનિ.ના સ્પર્ધાત્મક પરીક્ષાના કેન્દ્રમાં જો દિવ્યાંગોને પ્રવેશ મેળવવો હોય તો તેમને કોઈ પણ ફી વગર નિ:શુલ્ક પ્રવેશ આપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. દિવ્યાંગોને કોઈપણ મદદની અને સહકાર આપવાની ખાતરી આપી હતી.
એડવોકેટ ડો.હેતલબેન રામાણીએ પોકસો એક્ટ અને દિવ્યાંગ અધિકાર અધિનિયમ-૨૦૧૬ વિષે ઉપયોગી માહિતી આપી હતી. દિવ્યાંગોને સરકારી નોકરીની તકો અને અનામતની વિગતો આપવામાં આવી હતી.
આ પ્રસંગે રોયલ્ટન ગ્રુપના ઓ.પી.ખેની, લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રફુલભાઈ શિરોયા તથા રચનાબેન ગજજર, સમસ્ત પાટીદાર સમાજના ઉપપ્રમુખ બાબુભાઈ ગુજરાતી, રાજેશભાઈ ધોળીયા, સહાયમ ટ્રસ્ટના પલ્લવી રાઠોડ, દિનેશભાઈ અણઘણ, ભીખુભાઈ પડસાળા, યુવક કલ્યાણ વિભાગના પ્રકાશચંદ્ર પટેલ અને ધવલ ચાવડા તથા, યુનિ.ના વિવિધ અધિકારીઓ, દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.