
સુરત: મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ બળ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલા અંતર્ગત AMNS ઇન્ડિયા કંપની ખાતે રિતિકા સખી મંડળ-દામકા દ્વારા સંચાલિત નવી કેન્ટીનનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું.
આ પ્રસંગે વનમંત્રીએ સખી મંડળની કેન્ટીનમાં નાસ્તો કર્યા બાદ ડિજીટલ પેમેન્ટ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાથે ડિજીટલ ટેક્નોલોજી અપનાવવા માટે પણ પ્રેરિત કરી હતી.
વનમંત્રીએ જણાવ્યું કે, મહિલાઓ માટે આ પ્રકારની પહેલ માત્ર રોજગારી પૂરતી સીમિત નથી, પણ તેમને આર્થિક સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. AMNS ઇન્ડિયા કંપની અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર થયો છે, જે અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આધુનિક સમયમાં ડિજીટલ પેમેન્ટ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ તે એક આવશ્યકતા બની ગયું છે. વૈશ્વિક સ્તરે ડિજીટલ ટ્રાન્જેક્શન ઝડપથી સ્વીકારવામાં આવી રહ્યા છે. જો મહિલાઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ શીખી લે, તો તેઓ પોતાના વ્યવસાય અને રોજગારીમાં વધુ આગળ વધી શકશે.