સુરત

વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સુરત: કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશના હસ્તે સુરત રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક: ટ્રેન નં.૧૯૦૦૯/૧૯૦૧૦)ને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપીટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેર વડનગર અને અન્ય નજીકના શહેરો માટે વધારાની ટ્રેન સેવાની લોકોની માંગ અને રજૂઆતને ધ્યાને લઈને પશ્ચિમ રેલ્વેએ વલસાડ અને વડનગર વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર થઈને નવી દૈનિક ઇન્ટરસિટી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન સેવા આ રૂટ પર સતત વધતી જતી માંગને પૂરી કરશે. શિક્ષણ, રોજગાર, તીર્થયાત્રા તેમજ સામાન્ય મુસાફરો અને પ્રવાસીઓ માટે અત્યંત અનુકૂળ રહેશે.

વધુમાં રેલવે રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની નવી ટ્રેનના કારણે પ્રવાસન,શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળવા સાથે નવી રોજગારીની તકોનું સર્જન થશે. ટ્રેન કનેક્ટિવિટી વધતા આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સુરત શહેર મહત્વનું આર્થિક- વ્યાપારી ગતિવિધિનું કેન્દ્ર છે ત્યારે આ કનેકિટવીટીએ મહત્વની બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

દેશના સર્વાંગી વિકાસમાં રેલ્વે મહત્વની ભૂમિકા ભજવી રહી છે હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, લોકોની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે તેના અધિકારક્ષેત્ર હેઠળના સ્ટેશનોથી વિવિધ સ્થળોએ નવી ટ્રેનો શરૂ કરી રહી છે. જે લોકોને એવા સ્થળો સાથે જોડવામાં મદદ કરે છે જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, પ્રવાસન, શિક્ષણ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળે છે તેમજ રોજગારીની તકોનું સર્જન કરવામાં મદદ મળે છે. જેના કારણે જે તે વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય બનતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી, વિ.ડી.ઝાલાવાડિયા, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર, મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ તેમજ સુરત રેલવે સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button