સ્પોર્ટ્સ
ક્રિષા પટેલે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં જ સિલ્વર મેડલ જીત્યો
ગાંધીધામ: ઈજીપ્તના કાએરો ખાતે કાએરો ઇન્ડોર સ્ટેડિયમમાં 24 થી 30 ઓક્ટોબર દરમિયાન આયોજિત ડબલ્યૂટીટી યુથ કન્ટેન્ડર ટૂર્નામેન્ટમાં ગુજરાતની ભાવિ ખેલાડી ક્રિષા પટેલે અંડર-11 ગર્લ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી દિવાળીને ખાસ બનાવી હતી.
પ્રારંભિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ 10 વર્ષીય સુરતી ખેલાડી સ્થાનિક ખેલાડી નાદા એલબાદ્વેને 3-0 (13-11, 11-2, 11-8) થી સેમિફાઈનલમાં હરાવી ફાઈનલમાં પહોંચી તથા પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં જ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ નિશ્ચિત કર્યો હતો.
જોકે, પ્રથમ પ્રયાસે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ફાઈનલમાં પહોંચ્યા બાદ ક્રિષા થોડી નર્વસ થઈ હતી. ફાઇનલમાં ક્રિષાએ અનુભવના અભાવે ભારતની જ અંકોલિકા ચક્રવર્તી સામે 0-3ની હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
હાલ પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ સેન્ટર, સોનીપત, હરિયાણા ખાતે ટ્રેનિંગ મેળવતી અંડર-11 કેટેગરીમાં ભારતની નંબર-2 ખેલાડીએ કહ્યું કે, તે પોતે ગોલ્ડ મેડલ ચૂક્યા બાદ પણ પોતાના પ્રદર્શનથી ખુશ છે. તેણે કહ્યું કે,”આ મારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે અને હું મેડલ સાથે ઘરે પરત ફરી રહી છું તેનો આનંદ છે.”
બીજી તરફ પ્રથા પવારે પણ અંડર-13 ગર્લ્સ કેટેગરીમાં જ કાએરો ખાતેની ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું.
ફાઇનલમાં અમદાવાદની પ્રથા પવાર ભારતની જ અવિશા કર્માકર સામે 2-3નાં અંતરથી રસાકસીવાળી મેચમાં હારી જતા તેણે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે અંડર-15 ગર્લ્સ કેટેગરીમાં જ પ્રથા પવાર સેમિફાઈનલ સુધી પહોંચી હતી અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પ્રથા પવાર આંતરરાષ્ટ્રીય સ્તરે આ અગાઉ પણ મેડલ જીતી ચૂકી છે, તેણે કાએરોમાં 2 મેડલ્સ જીત્યા પહેલા ડબ્લ્યૂટીટી યુથ કન્ટેન્ડર (અમ્માન, જોર્ડન)માં આ વર્ષે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.