બિઝનેસ

ભારત હવે રાષ્ટ્રના હિત તરફી ફોરેન પોલિસી માટે સક્ષમ બની રહયું છે : ફોરેન અફેર્સ એકસપર્ટ ડો. વિજય ચોથાઇવાલે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફોરેન પોલિસીની અવેરનેસ હેતુ ‘નવા ભારત માટે ભારતની ફોરેન પોલિસી’વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગકારોમાં ફોરેન પોલિસી વિષે અવેરનેસ લાવવાના હેતુથી ગુરૂવાર, તા. ૮ સપ્ટેમ્બર, ર૦રરના રોજ સાંજે ૦પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઇન્ડિયાઝ ફોરેન પોલિસી ફોર ન્યુ ઇન્ડિયા’ વિષય પર સેશન યોજાયું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ફોરેન અફેર્સ એકસપર્ટ ડો. વિજય ચોથાઇવાલેએ ફોરેન પોલિસી માટેના વિશેષ પરિબળો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

ડો. વિજય ચોથાઇવાલેએ જણાવ્યું હતું કે, આરસેપને કારણે ચાઇનાનો સસ્તો માલ સીધો જ ભારતમાં આવ્યો હોત. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાંથી ડેરી પ્રોડકટ સીધી ભારતમાં આવી હોત. જેને કારણે ભારતના વેપારીઓને મોટું નુકસાન થયું હોત અને ઉદ્યોગ–ધંધાને પણ માઠી અસર પહોંચી હોત. આથી વેપાર–ઉદ્યોગના હિતમાં ભારતે છેલ્લા દિવસે આરસેપમાં નહીં હોવાનું નકકી કર્યું હતું.

કોવિડ દરમ્યાન ભારતને અન્ય દેશોમાં ફસાયેલા ભારતના આશરે એક લાખથી વધુ નાગરિકોને દેશમાં પરત લાવવામાં સફળ મળી હતી. ભારતે કેટલાક ઓપરેશન હાથ ધરીને વિશ્વને જણાવી દીધું હતું કે, આતંકવાદને ભારત સહન કરશે નહીં અને સેલ્ફ ડિફેન્સ માટે તેનો ચોકકસ જવાબ આપશે. આ મામલે અન્ય દેશોએ ભારતની સરાહના પણ કરી હતી.

વિદેશ નીતિ માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો માટેની મિટીંગો હેતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશરે ૬૬ દેશોનો પ્રવાસ કરીને ભારતની નવી ઇમેજ વિશ્વભરમાં ઉભી કરી છે. ભારત હવે રાષ્ટ્રના હિત તરફી પોલિસી માટે સક્ષમ બની રહયું છે અને આ દિશામાં ઝડપથી આગળ વધી રહયું છે. આથી હવે ભારતની વિદેશ નીતિનું લોકશાહીકરણ થઇ ગયું છે. જેની અનુભુતિ હવે દેશના લોકોને પણ રોજબરોજના જીવનમાં થઇ રહી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉપરોકત સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સેશનનું સંચાલન કર્યું હતું અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગૃપ ચેરમેન મનિષ કાપડીયાએ વકતાનો પરિચય આપ્યો હતો. સેશનમાં વકતા ડો. વિજય ચોથાઇવાલેએ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button