ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાયો
સુરત. ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૪ મે, ર૦રર ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના ત્રણ સહિત કુલ પાંચ સ્ટાર્ટ–અપ્સ દ્વારા વિવિધ બિઝનેસ ક્ષેત્ર જેવા કે વેસ્ટ મેનેજમેન્ટ, સોલાર પાવર એનર્જી, આયુર્વેદ એન્ડ ઉપચાર, ફાર્માસ્યુટીકલ અને નેચરોપથી વિશે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
સુરતથી ડયુરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ પ્રા.લિ.ના નિશાંક શાહે વેસ્ટ મેનેજમેન્ટ ઉપર પોતાના સ્ટાર્ટ–અપ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સાથે જ તેમના સ્ટાર્ટ–અપમાં રૂપિયા અઢી કરોડના રોકાણની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. એવી જ રીતે સુરતથી સોલ્નસ ટેકનોલોજીસના યશ તારવાડીએ સોલાર પાવર એનર્જી વિશે અને એટીબીયુ હરીતા ફાર્માસ્યુટીકલ્સ પ્રા.લિ.ના ડો. અતુલ દેસાઇએ ફાર્માસ્યુટીકલ સંદર્ભે પોતાના સ્ટાર્ટ–અપ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તદુપરાંત અમદાવાદના વીઆર ઉપચાર પ્રા.લિ.ના જીત ઝવેરીએ આયુર્વેદિક ઉપચાર વિશે તથા રાજકોટના ઓર્ગો ફાયબર એલએલપીના ગૌરવ પરમારે પોતાના સ્ટાર્ટ–અપ વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૦૦ થી પણ વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. જ્યારે રપ થી વધુ રોકાણકારો હાજર રહયા હતા અને તેઓએ પાંચેય સ્ટાર્ટ–અપ્સ દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનને ધ્યાનથી નિહાળ્યા હતા. જેમાંથી એક રોકાણકારે સુરતના વેસ્ટ મેનેજમેન્ટ અંગેના સ્ટાર્ટ–અપમાં રૂપિયા અઢી કરોડનું રોકાણ કરવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવી હતી.
ચેમ્બર દ્વારા હવે વધુમાં વધુ સ્ટાર્ટ–અપ્સને પ્રોત્સાહિત કરવા માટે જૂન– ર૦રર માં સ્ટાર્ટ–અપ ઇન્વેસ્ટમેન્ટ મીટનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ જુલાઇ– ર૦રર માં સ્ટાર્ટ–અપ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવશે.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ચેમ્બરની ઇનોવેશન – સ્ટાર્ટ અપ કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આઇ હબના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર સિદ્ધાર્થ ઐય્યર અને આઇપી મેનેજર કૃપાલસિંહ ડાભીએ આઇ હબ વિશે માહિતી આપી હતી. અંતે ચેમ્બરની ઇનોવેશન – સ્ટાર્ટ અપ કમિટીના કો–ચેરમેન પુનીત ગજેરાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.