સ્પોર્ટ્સ

ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇનું ચેમ્બર સન્માન કરશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧૬ ઓગષ્ટ, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ગોલ્ડ મેડાલિસ્ટ હરમીત દેસાઇના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પધારશે. સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકેનું સ્થાન શોભાવશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કોમનવેલ્થ ગેમ્સ ર૦રર માં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સુરતના હરમીત રાજુલ દેસાઇ ચેમ્બર ઓફ કોમર્સના પેટ્રન સભ્ય છે. ભારતીય મેન્સ ટેબલ ટેનિસ ટીમે ફાઇનલમાં સિંગાપોરને ૩–૧ થી હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. હરમીત દેસાઇએ મેળવેલી સિદ્ધી વિષે સુરત તેમજ ગુજરાત જ નહીં પણ આખો દેશ ગૌરવ લઇ રહયું છે.

ખાસ કરીને હરમીત દેસાઇના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે અને તેની સાથે સમગ્ર સુરતમાં તેની ઉજવણી થઇ રહી છે. દેશ માટે ગોલ્ડ અપાવનાર હરમીત દેસાઇ માટે ચેમ્બર ઓફ કોમર્સ પણ ગૌરવ અનુભવે છે અને તેમના સન્માન માટે ઉપરોકત કાર્યક્રમનું આયોજન કર્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હરમીત દેસાઇનું ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત ચેમ્બરની સાથે સંકળાયેલા વિવિધ ઔદ્યોગિક સંગઠનો દ્વારા પણ સન્માન કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button