‘અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન’:-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
દેશની કરોડો માતા-બહેનોના આશીર્વાદ એ સરકારનું રક્ષા કવચ-:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત:તા.૮:ગુરૂવાર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું કે, અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. ‘કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. આવી જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ સરકારને બમણા વેગથી કામ કરવાની પ્રેરણા આપે છે, એમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાનએ લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમણે મેળવેલા લાભો અને તેના થકી જીવનધોરણમાં આવેલા બદલાવની વિગતો જાણી હતી અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પણ યોજનાના લાભો મેળવવામાં સહાયરૂપ બને એ માટે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. લાભાર્થીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓના લાભો મળવા બદલ વડાપ્રધાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આગામી તા.૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને અનુલક્ષીને ઓલપાડના ધારાસભ્ય અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના વડપણ હેઠળ ઓલપાડ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદોએ નિદાન, દવા અને સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાં ૩૦૦ થી વધુ નિષ્ણાત તબીબો, ૫૦ લેબ ટેકનિશિયન, ૩૦૦ પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી, હાડકા, આંખ-કાન-નાક, હદય, દાંત, એનીમિયા, બ્લડ અને સુગર ચેકઅપ, ચશ્મા અને દવા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની મળીને ૧૬ જેટલી યોજનાઓનો લાભ પોણા પાંચ લાખ લોકોને પહોચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, કોઈ એક જ સ્થળે હેલ્થકેમ્પ યોજી હજારો નાગરિકોના આરોગ્યની કાળજી લેવી એ ઈશ્વરીય કાર્ય છે. કેમ્પના આગવા આયોજન માટે તેમણે મંત્રી મુકેશભાઈ પટેલને અભિનંદન આપતા કહ્યું કે, દેશની પ્રગતિમાં આરોગ્યમય નાગરિકો, સ્વસ્થ સમાજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે જ કેન્દ્ર સરકારે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરે છે ત્યારે દેશ નિશ્ચિતપણે પ્રગતિના પંથે આગળ વધે છે.
એઈમ્સ હોસ્પિટલોનો વ્યાપ વધારવા સાથે દરેક રાજ્યમાં વધુમાં વધુ મેડિકલ કોલેજો સ્થાપવા સરકાર સતત પ્રયાસરત છે. ગુજરાતમાં ૧૧ મેડિકલ કોલેજો હતી, જે છેલ્લા બે દાયકા દરમિયાન વધીને આજે ૩૧ થઈ ચૂકી છે. આયુષ્માન ભારત યોજનાને લીધે ગરીબ, મધ્યમવર્ગને ઉચ્ચ ગુણવત્તાની અને પરવડે એવી આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સદાય જીવંતપણાનો અહેસાસ કરાવતા સુરત શહેરમાં સદ્દભાવના, સામર્થ્ય, ઈચ્છાશક્તિના દર્શન થાય છે એમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે એમ જણાવી સુરતના નાગરિકો અને જાગૃત્ત જનપ્રતિનિધિઓને શુભકામનાઓ પાઠવી હતી.
વડાપ્રધાનએ વધુમાં કહ્યું કે, દેશમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધી લાભાર્થી કિસાનોના ખાતામાં બે લાખ કરોડ સીધા જમા કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના ૬૦ લાખ અને સુરત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ આ સહાય મેળવી છે. ઉપરાંત, છેલ્લા ૮ વર્ષમાં દેશમાં ૩ કરોડ પાકા આવાસો બનાવીને લાભાર્થી પરિવારોને અર્પણ કર્યા છે, જે પૈકી ગુજરાતના ૧૦ લાખથી વધુ અને સુરત જિલ્લાના ૧.૫૦ લાખ પરિવારોને પાકા આવાસની ભેટ મળી છે,
જ્યારે પી.એમ.સ્વામિત્વ યોજનાથી ડ્રોન ટેકનોલોજીથી ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના હેઠળ ગુજરાતના ૧૬૦૦ ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો હોવાનો સહર્ષ ઉલ્લેખ કરી આઝાદીના અમૃત્ત કાળમાં અમૃત્ત સંકલ્પો પૂર્ણ કરવામાં આ સિદ્ધી નવી ઉર્જા આપશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આબાલવૃદ્ધ સૌના જીવનમાં ખુશહાલી આવે તે માટે તમામ યોજનાઓના ફળો છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે. નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબૂત રીતે નાખ્યા હોવાથી આજે ગુજરાત સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગો, વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ ગુજરાતના દરેક ખુણામાં પહોંચી છે, રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે, પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર ૩ ટકા જેટલો જ રહ્યો છે. શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર બન્યું છે. રાજ્યમાં વિકાસની ક્ષિતિજો વિસ્તરતા તમામ ગામડાઓ સુધી પાયાની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ બની છે. બે દાયકા અગાઉ ૨૬ ટકા ગામોમાં પીવાનું પાણી મળતું જે આજે ૯૭ ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. અગાઉ વર્ષે ૧૩૭૫ તબીબોની સંખ્યા સામે આજે દર વર્ષે ૫૫૦૦ તબીબો બહાર પડે છે, જે રાજ્ય અને દેશની આરોગ્ય ગરિમા જાળવવામાં યોગદાન આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં નાના કારીગરો, ફેરિયાઓ, વ્યાપારીઓને સ્વનિર્ભર બનાવવા પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ આ પ્રકારના ૨.૩૫ લાખ જેટલા નાના વ્યવસાયકારોને લાભાન્વિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનની લોકહિતની કાર્યસંસ્કૃતિના ચીલે ચાલીને રાજ્ય સરકાર ‘આત્મનિર્ભર ભારતથી આત્મનિર્ભર ગુજરાત’ના નિર્માણ માટે સતત કર્તવ્યરત છે એનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક મહામારીમાં વિકસિત દેશોએ પણ પોતાના નાગરિકોને બેહાલ છોડી દીધા હતા. તેવા કપરા સમયે વડાપ્રધાનએ મોદીએ અને આગવી સુઝબુઝથી આ કપરા કાળમાંથી દેશવાસીઓને હેમખેમ ઉગાર્યા. એટલું જ નહીં, દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે વેક્સીન આપી સુરક્ષા કવચ પૂરૂ પાડ્યું છે. ગરીબોની પણ ચિંતા કરી તમામ ગરીબ પરિવારોને મફત અનાજ આપી તેમની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો યજ્ઞ શરૂ કર્યો તે આજે પણ ચાલુ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે ગુજરાતના ઈતિહાસમાં ચાલું નાણાકીય વર્ષનું બજેટ સૌથી મોટા કદનું આપ્યું છે. કેન્દ્ર સરકારના ગુજરાત પર ચાર હાથ છે, ત્યારે વડાપ્રધાનશ્રીના નેતૃત્વના કારણે ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે એમ પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, ગુજરાતનું વિકાસ મોડેલ દેશનું સર્વસ્વીકૃત્ત મોડેલ બન્યું છે. કોરોનાકાળના વિકટ સમયને ધીરજ, મક્કમતા અને આગવી સુઝબુઝથી સામનો કરીને દેશવાસીઓને સુરક્ષિત રાખવા અને સ્વદેશી રસી વિકસાવી દેશને આરોગ્ય કવચ પૂરૂ પાડ્યું છે. વિકાસની રાજનીતિ કરવી એ રાજ્ય અને કેન્દ્રની સરકારનો સ્વભાવ છે. વચનો આપીને નહીં, પણ કામ કરીને લોકોને સુખાકારીભર્યું જીવન પ્રદાન કરવું એ આ સરકારનું લક્ષ્ય છે.
ગુજરાત અને ગુજરાતીઓ કોઇના ભરમાયા ભરમાશે નહિ અને નરેન્દ્રભાઇ મોદીમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં બે દાયકાથી મુકેલો ભરોસો અકબંધ રાખશે એમ પાટીલે ઉમેર્યું હતું.