સુરત

કાપડ ઉત્પાદનની પ્રક્રિયા સાથે ૧૦ થી ર૦ ટકાનું રોકાણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કરાશે તો પણ સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ જશે : આશીષ ગુજરાતી

સુરતમાં દરેક પ્રકારનું ફેબ્રિકસ ઉપલબ્ધ છે, આથી સુરતના ઉદ્યોગકારો માટે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિપુલ તકો છે, એક ઇન્વેન્શનના ભાગરૂપે પણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા માટે નિષ્ણાંતોની ઉદ્યોગકારોને સલાહ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) અને અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે  ‘ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી – ન્યુ એવેન્યુ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન સુરત’ વિષય ઉપર અગર એકસોટીકા, ડીપીએસ સ્કૂલ પાસે, ડુમસ રોડ, સુરત ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ધી કલોથીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા (સીએમએઆઇ)ના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ મહેતા અને પેપરમીન્ટના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર સંતોષ કટારિયાએ સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી વિશે ઉદ્યોગકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કરતા ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ગારમેન્ટ મેન્યુફેકચરર્સની માંગ વધશે. સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો કાપડ ઉત્પાદનની પ્રક્રિયા જાળવી રાખી ૧૦ થી ર૦ ટકાનું રોકાણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કરશે તો પણ સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ જશે.

નિષ્ણાંત વકતા તરીકે રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, સુરતનું પોલિએસ્ટર પૂરતું ફોકસ કરતું હતું અને હવે ડોમેસ્ટીક માર્કેટ પણ વધારે પોલિએસ્ટરમાં રહયું છે. ૧૦૦ ટકા કોટન હવે બ્લેન્ડેડ ફેબ્રિકસમાં આવે છે. આથી હવે આખું માર્કેટ સુરત માટે ઓપન થઇ જશે. ઇ–કોમર્સ માટે પણ ગ્લોબલ માર્કેટ ખૂલ્લું છે. સરકારની પીએલઆઇ સ્કીમ પણ ખાસ કરીને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ માટે ફીટ થાય છે. બીજીતરફ, બાંગ્લાદેશની કાપડ નિકાસ કરવાની સ્ટ્રેન્થ પણ વર્ષ ર૦ર૪ સુધી પૂરી થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે, કીડ્‌ઝ વેરમાં સૌથી વધુ તક છે પણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવનાર ઉદ્યોગકારોએ શરૂઆતમાં વિમેન્સ એથનીક વેર અને ત્યારબાદ વેસ્ટર્ન વેરમાં જવું જોઇએ. આ બંને બાબતોમાં સફળતા મળ્યા બાદ કીડ્‌ઝ વેરમાં જવું જોઇએ. શરૂઆતમાં ગારમેન્ટ ફેકટરી ઉપર ફોકસ કરવું જોઈએ અને ત્યારબાદ ફેશન ફોરકાસ્ટીંગ અને ડિઝાઇનીંગ ઉપર ફોકસ કરવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. સલવાર, કુર્તી અને સાડી માત્ર ભારતીય મેન્યુફેકચરર્સ જ બનાવી શકશે. એક ઇન્વેન્શનના ભાગરૂપે પણ સુરતના ઉદ્યોગકારોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવવા તેમણે સલાહ આપી હતી.

નિષ્ણાંત વકતા તરીકે સંતોષ કટારિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં બધી ઉપલબ્ધતા હોવા છતાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી નથી તે કમનસીબી છે. વિશ્વમાં માત્ર પોલિએસ્ટરમાં જ ફેશન બને છે અને સુરત પોલિએસ્ટરનું ભંડાર છે. કોવિડ– ૧૯ ને કારણે ઉદ્યોગકારોનું ચાઇના જવાનું બંધ થયું અને સુરતના ઉદ્યોગકારોએ ૭પ ટકા ચીજવસ્તુઓ બનાવી નાંખી. સુરતમાં દરેક પ્રકારનું ફેબ્રિકસ ઉપલબ્ધ છે. આથી સુરતના ઉદ્યોગકારો માટે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિપુલ તકો છે. શરૂઆતમાં કોઇ બ્રાન્ડ માટે કામ કરીને અનુભવ અને નોલેજ મેળવ્યા બાદ પોતાની બ્રાન્ડ શરૂ કરે તે વધુ સારું રહેશે. શરૂઆતમાં જોબ વર્ક કરવું સારું રહેશે.

સેમિનાર દરમ્યાન પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેનું સંચાલન ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ કર્યું હતું. પેનલિસ્ટ તરીકે રાહુલ મહેતા અને સંતોષ કટારિયાએ ઉદ્યોગકારોના ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેઓએ સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી નાંખવા માટે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટથી લઇને જોબ વર્ક તેમજ પોતાની બ્રાન્ડ ડેવલપ કરવા સુધીની સમજણ ઉદ્યોગકારોને આપી હતી.

સેમિનારમાં અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના ચેરમેન મહેશ મિત્તલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.

ચેમ્બરના ગૃપ ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે ઉદ્યોગપતિઓએ ર૦૦ મશીન લગાવી હતી તેઓએ માંગ વધતા ૬૦૦ મશીન કરી દીધી હતી. હવે તેઓની પાસે આગામી છ મહિના માટે બુકીંગ છે. આવનારા વર્ષોમાં દસ લાખ જેટલી ગારમેન્ટની મશીન લાગશે તો સુરત ટેક્ષ્ટાઇલ હબ બની જશે. સેમિનારના અંતે અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટના સેક્રેટરી રતનલાલ ધારૂકાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button