Uncategorized

આસામમાં ૧૩૦૦ એકરથી વધુની ઉજ્જડ જમીનને લીલાછમ જંગલમાં ફેરવી ‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’નું બિરૂદ મેળવનાર તથા પદ્‌મ શ્રીથી સન્માનિત ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) સાથે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્ટરેકટીવ સેશન યોજાશે

ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)ની સાથે શહેરની રપ જેટલી સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં સરસાણા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આસામના ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) ‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’સાથે સોમવાર, તા. ૧ર સપ્ટેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૦પઃ૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)ની સાથે ઇન્ટરેકટીવ સેશનના બે કલાક પહેલા બપોરે ૩:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરની રપ જેટલી સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાશે અને વૃક્ષારોપણ કરશે. વિદ્યાર્થીઓ, ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) પાસેથી વિવિધ પ્રકારના રોપાઓને વાવવા માટે તથા સમયસર તેની દેખરેખ માટેના ટિપ્સ પણ મેળવશે.

સામાન્યપણે કહેવાય છે કે ટીમ વર્ક સિવાય કશું શકય નથી, પરંતુ ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)એ આ બાબતને ખોટી પૂરવાર કરી દીધી છે. પોઝીટીવ એટીટયુડ સાથે સતત હાર્ડવર્ક કરી અને ધીરજ રાખીને એકલા હાથે તેમણે ૩૦ વર્ષ સુધી રોપા વાવ્યા હતા, જે હવે વિશાળ જંગલમાં ફેરવાઇ ગયા છે. વહેલી સવારે ૩ કલાકે જાગીને તેઓ કાર્યની શરૂઆત કરે છે અને દરરોજ ગામથી ત્રણ કિલોમીટર સુધીનું અંતર કાપીને રોપા વાવે છે. પક્ષીઓ, વન્ય પ્રાણીઓ તથા મનુષ્યો આરોગી શકે તે માટે તેમણે કેરી અને જામુન વિગેરે ફળોના રોપા વાવ્યા હતા. ફળો ખાઇને ફેંકી દેવાયેલા બીજમાંથી પણ વૃક્ષ ઉગી ગયા છે.

પદ્‌મ શ્રીથી સન્માનિત આસામના ૬પ વર્ષીય ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)ને વર્ષ ર૦૧૦ માં વિશ્વ પૃથ્વી દિવસ પર નવી દિલ્હીમાં ભારત સરકાર દ્વારા પપ૦ હેકટર (૧૩૦૦ એકરથી વધુ)ની ઉજ્જડ જમીનને લીલાછમ જંગલમાં ફેરવવા બદલ ‘ધ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’નું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેમને જમીનને જંગલમાં ફેરવવામાં લગભગ ૩૦ વર્ષ લાગ્યાં અને તેઓ આજે પણ તેની સુરક્ષા કરે છે. તેમણે ૧૯૭૯ માં વાવેતર શરૂ કર્યું હતું અને આજે પણ તે ચાલુ છે. વન્યજીવ નિષ્ણાતોના મતે આ વન હવે વિશ્વના સ્થળાંતર કરનારા ૮૦ ટકા પક્ષીઓને આકર્ષે છે. હવે આ વનને સત્તાવાર રીતે મોલાઈ વન કહેવામાં આવે છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાનાર ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) સાથેના ઇન્ટરેકટીવ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3KHbHrs પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button