સાંસદ સી.આર.પાટીલ સહિત મહાનુભાવો, ચેસ ગ્રાન્ડ માસ્ટરો-ખેલાડીઓએ હર્ષનાદ સાથે ટોર્ચ રિલેને વધાવી
ટોર્ચ રિલે ૪૦ દિવસમાં ૭૫ શહેરોમાં ભ્રમણ કરશે: ૩૦ વર્ષના સમયગાળા બાદ ભારતમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાશે
સુરત: આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચતા સાંસદશ્રી સી.આર.પાટીલ અને મહાનુભાવોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. ચેસના ગ્રાન્ડ માસ્ટરશ્રી અંકિત રાજપરા અને તેજસ બાકરે, ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખશ્રી ભાવેશ પટેલ અને ચેસ ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રિલે સુરતના વનિતા વિશ્રામથી અઠવાલાઈન્સ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રેલી સ્વરૂપે આવી હતી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈન્ડોર સ્ટેડિયમમાં ટોર્ચ રીલે સાથે આવેલા ગ્રાન્ડમાસ્ટરો અને ચેસ ખેલાડીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ગ્રાન્ડ માસ્ટરોને સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ટોર્ચ રિલે અર્પણ કરી આગળના નિર્ધારિત પ્રવાસના રૂટ અંતર્ગત દાંડી જવા માટે વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ૪૪મા ચેસ ઓલિમ્પિયાડનું યજમાનપદ ભારતને મળ્યું છે, એ દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. ચેસ એ બુદ્ધિક્ષમતામાં વધારો કરતી રમત છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસની સાથોસાથ બાળકો રમતગમતમાં પણ રસરૂચિ કેળવતા થાય અને સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો હાંસલ કરે એવા સતત પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. તેમણે ઉપસ્થિત શહેરીજનો-વાલીઓને તેમના સંતાનો ચેસની રમતમાં અભિરૂચિ રાખી બુદ્ધિક્ષમતાને કરે એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આજ સુધી ચેસ ઓલિમ્પિયાડમાં ક્યારેય પણ મશાલ રિલે યોજાઈ નથી, પણ આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘે સૌપ્રથમવાર ભારતથી ટોર્ચ રિલે યોજવાનો નિર્ણય લીધો છે એમ જણાવી પાટીલે દેશના ખેલાડીઓને માઈન્ડગેમ ચેસમાં પ્રવીણતા મેળવી વધુમાં વધુ મેડલો જીતી દેશનું ગૌરવ વધારવા આહ્વાન કર્યું હતું.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તા.૧૯મી જૂને નવી દિલ્હીથી સૌપ્રથમ અને ઐતિહાસિક ટોર્ચ રિલેને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીનો અમૃત્ત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ જ્યોત દેશના વિવિધ રાજ્યોના ૭૫ શહેરોમાં ભ્રમણ કરશે. ચેસ ઓલિમ્પિયાડમાં ૧૮૮ દેશોના ૨૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત શહેર) દિનેશભાઈ કદમ, જિલ્લા રમતગમત અધિકારી(સુરત ગ્રામ્ય) વિરલ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠીયા, સિનીયર કોચ કનુભાઈ રાઠોડ સહિત ચેસ ખેલાડીઓ, શહેરીજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.