શહેરીજનોમાં કારમાં સીટ બેલ્ટ પહેરવાની અવેરનેસ લાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’યોજાયો
‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’દરમ્યાન કારમાં સીટ બેલ્ટ પહેરનારને સર્ટિફિકેટ અપાયા તથા સીટ બેલ્ટ નહીં પહેરનારને ગુલાબનું ફુલ આપી સીટ બેલ્ટ પહેરવા માટે વિનંતી કરાઇ : હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં ડુમસ રોડ સ્થિત ઓએનજીસી બ્રિજ સર્કલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ રોડ શો’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેમાન તરીકે સુરતના નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક સેકટર ૧) ઉષા રાડા અને મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક રિજિયોન ૪) એ. એમ. પરમાર ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોલીસ અધિકારીઓની હાજરીમાં કારચાલકો તથા કારમાં બેસેલી વ્યકિતઓએ સીટ બેલ્ટ પહેર્યો છે કે કેમ? એ તપાસવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સીટ બેલ્ટ પહેરનાર કારચાલક તથા કારમાં સવાર અન્ય વ્યકિતઓને ચેમ્બર તરફથી સર્ટિફિકેટ આપી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જ્યારે સીટ બેલ્ટ નહીં પહેરનાર કારચાલક, ચાલકની બાજુમાં તથા પાછળ બેસેલી વ્યકિતઓને ગુલાબનું ફુલ આપીને તેઓને સીટ બેલ્ટ પહેરવા માટે વિનંતી કરવામાં આવી હતી.
ચેમ્બરની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના ચેરપર્સન કામિની ડુમસવાલાએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતમાં કેટલીક વખત કારમાં સીટ બેલ્ટ નહીં પહેરવાને કારણે કારચાલક, તેની બાજુમાં તથા પાછળની સીટ પર બેસેલી વ્યકિતને જીવ ગુમાવવાનો વારો આવતો હોવાના બનાવો બનતા હોય છે ત્યારે સુરતના શહેરીજનો કારમાં બેસે ત્યારે સીટ બેલ્ટ પહેરીને પોતાનું તથા પરિવારજનોનું જીવન સુરક્ષિત રાખી શકે તે હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટ્રાફિક અવેરનેસ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોડ શો દરમ્યાન બેનરો સાથે વાહન ચાલકોમાં સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરવા વિષે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, ગૃપ ચેરમેન મૃણાલ શુકલ, ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના કો–ચેરમેન કૃષ્ણરામ ખરવર તથા બ્રિજેશ વર્મા, શ્રીરામ બક્ષી, કનૈયાલાલ વૈદ્ય અને મિનેશ દેસાઇ સહિતના કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.