સુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન– સુરતના ડેપ્યુટી ડાયરેકટર (ઇન્ચાર્જ) સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

મહાનગરપાલિકાની હદ વિસ્તરણ પછી નવા વિસ્તારોમાં ઇએસઆઇ કવરેજ મેળવી અમલ કઇ તારીખથી કરવો? તે દુવિધાઓ અંગે ડેપ્યુટી ડાયરેકટર દીપક મલિકે આજથી ઇએસઆઇ કોડ નંબર મેળવવાનું જણાવ્યું

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પિડિયાટ્રિક હોલ, સંહતિ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોઇમેન્ટ અંતર્ગત આવનારા એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનની સુરત રિજીયોનલ ઓફિસના ડેપ્યુટી ડાયરેકટર (ઇન્ચાર્જ) દીપક મલિક સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેપ્યુટી ડાયરેકટર (ઇન્ચાર્જ) દીપક મલિકે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની નવી હદ સુધી હવે ઇએસઆઇ કાયદો અમલી બની રહેશે. અગાઉ અમુક વિસ્તારો સુધી જ લાગુ કરવામાં આવી રહયો હતો. આ અમલીકરણ અંગે ભારતના શ્રમ મંત્રાલયનું નોટિફિકેશન–૧૯૯રનું ટાંકવામાં આવ્યું હતું, જેના લીધે મહાનગરપાલિકાની હદ વિસ્તરણ પછી નવા વિસ્તારોમાં ઇએસઆઇ કવરેજ મેળવી અમલ કઇ તારીખથી કરવો? તે દુવિધાઓ અંગે અધિકારીએ આજથી ઇએસઆઇ કોડ નંબર મેળવવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પાછળના સમયગાળાની જવાબદારી માટે ઇએસઆઇ સુરતે ભારતના શ્રમ મંત્રાલયને પત્ર લખ્યો છે, જેનો જવાબ મળ્યેથી હવે પછી જાણકારી આપવામાં આવશે.

સુરત શહેર ૪૬ર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું હોય તેમ છતાં અહીં ફકત ચાર ઇએસઆઇ દવાખાના છે, જેના વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડોકટરોની ભરતી પૂરી કરવા માટે અને નવા દવાખાના વધારવા અંગે અધિકારી દ્વારા ઉચ્ચ વિભાગોમાં ચેમ્બર ઓફ કોમર્સની સાથે રહી રજૂઆત કરવા બાંયધરી આપી હતી.

વલસાડ અને ઉમરગામ ખાતે જો પ્રાઇવેટ કંપની દ્વારા પ્રાઇમરી દવાખાનાની વ્યવસ્થા કરવામાં આવે તો ઇએસઆઇસી દ્વારા કામદાર દીઠ રૂપિયા પ૦૦ વાર્ષિક લેખે અને અન્ય મદદની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓની સુરત અને વલસાડના તમામ વિસ્તારો અને હોસ્પિટલોની મુલાકાતો કરાવી જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી કરી આપવાની બાંયધરી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં સહભાગીઓએ પોતાની ગુંચવણો અને ટેકિનકલ બાબતો વિષે સવાલો કર્યા હતા, જેના સંતોષકારક જવાબો ડેપ્યુટી ડાયરેકટર દીપક મલિકે આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button