બિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી તથા એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી સાથે પેન્ડીંગ સબસિડી વિષે વિસ્તૃત ચર્ચા કરી

ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી સમક્ષ સુરતમાં ગારમેન્ટના વર્કરોને ટ્રેઇન કરવા માટે સ્કીલ સેન્ટર શરૂ કરવાની રજૂઆત કરાઇ

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ સહિતના પ્રતિનિધિ મંડળે મંગળવાર, તા. રર ઓગષ્ટ, ર૦ર૩ના રોજ નવી દિલ્હી ખાતે ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી રોહિત કંસલની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન એ–ટફની પેન્ડીંગ સબસિડી તથા સ્ટેન્ડ અપ ઇન્ડિયા પાવર ટેક્ષ સ્કીમની પેન્ડીંગ સબસિડી અંગે વિસ્તૃત ચર્ચા કરી તેને વહેલી તકે રિલીઝ કરવા માટે રજૂઆત કરી હતી. ચર્ચાને અંતે તેમણે ટૂંક સમયમાં જ તમામ સબસિડી રિલીઝ કરાશે તેવી બાંયધરી આપી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી ખાતે કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષની સાથે પણ મુલાકાત કરી સ્ટેન્ડ અપ ઇન્ડિયા પાવર ટેક્ષ સ્કીમની પેન્ડીંગ સબસિડી વિષે ચર્ચા કરી હતી.

આ ઉપરાંત ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર અને ડેપ્યુટી સેક્રેટરી પૌલિક દેસાઇ નવી દિલ્હી ખાતે ESG (એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સ) કમિટીની મિટીંગમાં ઉપસ્થિત રહયા હતા. ભારત સરકારના એડિશનલ ટેક્ષ્ટાઇલ સેક્રેટરી રોહિત કંસલની અધ્યક્ષતામાં આ મિટીંગ મળી હતી. જેમાં દેશભરના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

આ મિટીંગમાં ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સુરતમાં ગારમેન્ટની ટ્રેઇનીંગ માટે સ્કીલ સેન્ટર શરૂ કરવાની રજૂઆત રોહિત કંસલને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરતથી ગારમેન્ટના એક્ષ્પોર્ટ માટે ઘણી તકો છે, પરંતુ સ્કીલ વર્કર ન હોવાને કારણે ગારમેન્ટનું પૂરતું ઉત્પાદન હાલમાં થતું નથી, આથી સુરતમાં ગારમેન્ટના વર્કરોને ટ્રેઇન કરવા માટે સ્કીલ સેન્ટરની જરૂરિયાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે અને તે દિશામાં પ્રયાસો કરી રહી છે.

તદુપરાંત ચેમ્બરના પ્રતિનિધિઓએ નવી દિલ્હી ખાતે પેટ્રો કેમિકલ્સ વિભાગના જોઇન્ટ સેક્રેટરી દીપક મિશ્રા સાથે પણ રૂબરૂ મુલાકાત કરી બીઆઇએસના વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં બીઆઇએસના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર મુદ્દે આગામી સપ્ટેમ્બર મહિનામાં તેઓ સુરતના ઉદ્યોગકારો સાથે રૂબરૂ વાર્તાલાપ કરશે તેમ તેમણે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button