સી.આર.સી. કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
દર વર્ષે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ગુણો અને ટેકનોલોજી વિશે સજાગતા કેળવાય તે હેતુથી ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લીધે પ્રથમ વખત આ પ્રદર્શન ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવ્યુ. સી.આર.સી. કક્ષાના દ્વિતીય ઓનલાઇન પ્રદર્શનમાં રાંદેરની સી.આર.સી. 01માં સમાવિષ્ટ 11 શાળાઓના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો. અલગ-અલગ પાંચ વિભાગમાં વિવિધતાસભર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
સમગ્ર આયોજન જહાંગીરાબાદ સ્થિત શાળા ક્રમાંક 161, 166 અને 338 ખાતે CRC કો-ઓર્ડીનેટર અમિત ટેલર દ્વારા કરવામાં આવેલ હતું. રાંદેર ઝોનમાં આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલયના શ્રી હીનાબેન પરમાર અને પીપરડીવાલા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આશિષભાઈ જરીવાલા દ્વારા આ કૃતિઓમાંથી સર્વશ્રેષ્ઠ કૃતિ પસંદ કરવા માટે નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઉપાધ્યક્ષા સ્વાતિબેન સોસા, યુ.આર.સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ અને રાંદેર ઝોનના નિરીક્ષક રાગિણીબેન દલાલ દ્વારા આ ફેરની મુલાકાત લેવામાં આવી તથા ભાગ લીધેલ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તૈયાર કરેલ કૃતિઓ વીડિયોના માધ્યમથી નિહાળ્યા.
સુંદર આયોજન બદલ સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી અમિતકુમાર ટેલરને અભિનંદન પાઠવ્યા. ટેકનોલોજી અને પ્રાચીન રમકડાંની કૃતિઓ આ ઓનલાઇન પ્રદર્શનનું આકર્ષણ રહી. આયોજક સી.આર.સી. 01 તરફથી ઉપસ્થિત રહેલ સૌ મિત્રોને સ્મૃતિભેટ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નિર્ણાયકઓ દ્વારા વર્કિંગ મોડેલ તૈયાર કરાવનાર સૌ માર્ગદર્શક શિક્ષકમિત્રોને સારી કૃતિઓ બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.
શાળા ક્રમાંક 338ના આચાર્ય અંશુમન દેસાઈ દ્વારા તમામ ટેકનિકલ સપોર્ટ આપવામાં આવેલ. અને શાળા શાળા ક્રમાંક 161ના આચાર્ય દામિનીબેન લોટીયા અને શાળા ક્રમાંક166 ના આચાર્ય રોશનીબેન ટેલર દ્વારા અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સૌના આભાર સાથે યુ.આર.સી. કક્ષાના પ્રદર્શન માટે વધુ તૈયારી કરવાની શુભેચ્છા સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.