
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલની ગુરૂવાર, તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સાંજે પઃ૩૦ કલાકે દિલ સે રે રેસ્ટોરન્ટ, ઇમ્પીરિયલ મોલ, અડાજણ, સુરત ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ તથા ‘આર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’વિષય પર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ફાયનાન્શિયલ કન્સલ્ટન્ટ સીએ જિગ્નેશ સોપારીવાલાએ મહિલા સાહસિકોને સરકારી બચત યોજના, એસઆઇપી, એસડબ્લ્યુપી, મ્યુચ્યુલ ફંડ, સોનામાં અને યુએસ ડોલરમાં વળતર માટે વૈશ્વિક કંપનીઓમાં કેવી રીતે સુરક્ષિત રોકાણ કરી શકાય? તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સીએ જિગ્નેશ સોપારીવાલાએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે એસઆઇપીમાં રોકાણ કરી શકાય છે. જ્યારે મ્યુચ્યુલ ફંડમાં લાંબાગાળા માટે રોકાણ કરવું હિતાવહ રહે છે. દર વર્ષે વળતર મળી રહે તે માટે ખાનગી કંપનીઓના ઇન્સ્યુરન્સ પ્લાનમાં સુરક્ષિત રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત યુએસ ડોલરમાં વળતર માટે અમેરિકાની મોટી કંપનીઓમાં રોકાણ કરી શકાય છે.
મહિલા સાહસિકો માટે પીપીએફમાં રોકાણ પણ સુરક્ષિત હોય છે. નાની નાની રકમની બચત કરી તેને મલ્ટીપ્લાય કેવી રીતે બનાવી શકાય તે દિશામાં તેમણે મહિલા સાહસિકોને સમજણ આપી હતી. વુમન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગમાં ડો. મન્શાલી અને સ્નેહા જરીવાલાએ ચાર–ચાર મિનિટનું પોતપોતાના બિઝનેસ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા ઉપસ્થિત રહયાં હતાં. વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. વુમન આંત્રપ્રિન્યોર સેલના સભ્ય સીએ પારૂલ રૂદલાલે વકતાનો પરિચય આપ્યો હતો. પ્લવનવી દવેએ બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું સંચાલન કર્યું હતું. એડવોકેટ બીના ભગતે સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.