ગુજરાતબિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આવેલા પ્લેટિનમ હોલમાં‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં રાસાયણિક, દવાઓના મહાકાય કારખાનાઓ કે ઉદ્યોગો સ્થપાયેલા છે ત્યારે પર્યાવરણની જાળવણીની સાથે સાથે ઉદ્યોગોના વિકાસ માટે કયા – કયા પગલાઓ લઇ શકાય તેની સવિસ્તર ચર્ચા આ કોન્કલેવમાં કરવામાં આવશે. સરકાર અને ઉદ્યોગો સાથે મળીને આ દિશામાં આગળ વધે અને તેના માટે બંને પક્ષે કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે તે અંગે પણ ઉદ્યોગકારોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર માત્ર વિકાસ જ નહીં પણ ટકાઉ–નિરંતર વિકાસની દિશામાં આગળ વધી રહી છે. વિકાસ અને વિકાસશિલ દેશની વૃદ્ધિને વધારવી, લોકોનું જીવનધોરણ ટકાઉ (કાયમી) બનાવવું, રાસાયણિક કચરાનું વ્યવસ્થાપન અને કુદરતી સંસાધનોના વ્યવસ્થિત ઉપયોગ માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણને લગતી સમસ્યાને દૂર કરીને વિકાસની પ્રક્રિયાને આગળ વધારવા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને પ્રયાસો કરી રહયાં છે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાતના વન અને પર્યાવરણ તેમજ કલાઇમેટ ચેન્જના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ, વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર (આઇ.એ.એસ.), સુરતના કલેકટર આયુષ ઓક (આઇ.એ.એસ.), આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડના એકઝીકયુટીવ ડિરેકટર સંતોષ મુંધડા આ કોન્કલેવમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે અને ઉદ્યોગોને માર્ગદર્શન આપશે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીના ચેરમેન કુન્હાલ શાહે જણાવ્યું હતું કે, કોન્કલેવમાં નિષ્ણાંતો તરીકે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી ડી.એમ. ઠાકર, કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજીયોનલ ડિરેકટર પ્રસૂન ગાર્ગવા, આઇઆઇટી નવી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટરના ફાઉન્ડર અને ડિરેકટર કાર્તિકેય સારાભાઇ અને નવી દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ભૂતપૂર્વ ટેકનિકલ એક્ષ્પર્ટ અજય દેશપાંડે ઉપસ્થિત રહેશે.

વિવિધ ટેકનિકલ નિષ્ણાતો અને સરકારના ઉચ્ચતમ અધિકારીઓની ઉપસ્થિતી હોવાને કારણે આવનારા સમયમાં ઉદ્યોગોનો પર્યાવરણ અંગેનો એકશન પ્લાન માટેની એક રૂપરેખા તૈયાર થશે. પર્યાવરણની જાળવણી હેતુ જ્યારે નિર્ણયો લેવાશે ત્યારે ઉદ્યોગો માટે કયા પ્રકારના પ્રશ્નો ઉદ્‌ભવી શકે તેના આગોતરા આયોજનની તૈયારીના ભાગ રૂપે આ કોન્કલેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરની એન્વાયરમેન્ટ/પોલ્યુશન કન્ટ્રોલ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર ટ્રિટમેન્ટ કમિટીએ એન્વાયરમેન્ટ કોન્કલેવના આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી છે. આ કોન્કલેવના આયોજન માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button