લાઈફસ્ટાઇલહેલ્થ

ચેમ્બર દ્વારા ‘ધંધાકીય વાતાવરણ માટે યોગા અને ધ્યાન કઇ રીતે મદદરૂપ થઇ શકે ?’ તેના વિષે વર્કશોપ યોજાયો

પકડી રાખવું એ મનનો સ્વભાવ છે, વિવિધ બાબતોથી આપણને મુકિત અપાવે તે સાચું જ્ઞાન છે અને જ્ઞાનને જગાડવા માટે ધ્યાન કરવું પડે છે : મેડીટેશન કોચ હિમાંશુ ઠકકર

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ધંધાકીય વાતાવરણ માટે યોગા અને ધ્યાન કઇ રીતે મદદરૂપ થઇ શકે ?’ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડીટેશન કોચ હિમાંશુ ઠકકરે મનને નિયંત્રિત કરવા ત્રણ પ્રક્રિયા જેવી કે થેરાપી, હિપ્નોસિસ અને મેડીટેશન વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમના આયોજન માટે ચેમ્બરની સ્પોર્ટ્‌સ એકટીવિટી, યોગા એન્ડ ફિઝીકલ ફિટનેસ તથા આર્ટ એન્ડ કલ્ચર કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

હિમાંશુ ઠકકરે જણાવ્યું હતું કે, વિશ્વમાં મનની ઝડપ સૌથી વધુ હોય છે. ધ્યાન કરતી વખતે મનને મુકતપણે છોડી દેવાનું હોય છે. જીવનમાં કોઇપણ બાબતને આપણે પકડી રાખીએ છીએ એટલે એના આપણે ગુલામ થઇ જઇએ છીએ, આથી જીવનમાં ઘણી બાબતોને છોડતા જવાનું શીખવું પડે છે. પકડી રાખવું એ મનનો સ્વભાવ છે. જ્યારે પણ આપણે કોઇ બાબતને પકડી રાખીએ છીએ ત્યારે આપણે એના ગુલામ થઇ જઇએ છીએ. આ બાબતોમાંથી આપણને મુકિત અપાવે તે સાચું જ્ઞાન છે. જ્ઞાન એ અંદરથી જ આવતું હોય છે. જ્યારે માહિતી બહારથી આવતી હોય છે. જ્ઞાનને જગાડવા માટે ધ્યાન કરવું પડે છે.

તેમણે જણાવ્યું હતું કે આપણું મન એ બધી જ બાબતોને પકડી રાખે છે. મનમાં ઘણું બધું ભરેલું હોય છે અને તેને કારણે વ્યકિતને તકલીફ પડે છે. આથી મનને છોડીએ એટલે બધું જ છુટી જાય છે. એના માટે મનને શાંત કરી તેને કન્ટ્રોલ કરવું પડે છે. મનને કન્ટ્રોલ કરવા ત્રણ પ્રક્રિયા કરી શકાય છે. જેમાં થેરાપી, હિપ્નોસિસ અને મેડીટેશનનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહયું કે, ધ્યાન એ વર્તમાનમાં ભરપુર જીવી લેવાનું શીખવાડે છે. વ્યકિત જ્યારે વર્તમાનમાં જીવવાનું શીખી જાય છે ત્યારે એનું ભવિષ્ય સારું જ હોય છે.

ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ગૃપ ચેરમેન ધર્મેશ વાણિયાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

ગૃપ ચેરમેન મૃણાલ શુકલ અને સ્પોર્ટ્‌સ એકટીવિટી, યોગા એન્ડ ફિઝીકલ ફિટનેસ કમિટીના ચેરમેન અતુલ સોડીવાલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં. ચેમ્બરની આર્ટ એન્ડ કલ્ચર કમિટીના કો–ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમની સાથે સાથે સવાલ – જવાબ સેશનનું પણ સંચાલન કર્યું હતું. કમિટીના કો–ચેરપર્સન કૃતિકા શાહે વકતાનો પરિચય આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button