સુરતથી ટ્રેનમાં કાપડના પાર્સલો દેશભરના શહેરોમાં પહોંચાડવા સંદર્ભે રેલ્વે બોર્ડ તથા પોસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ચેમ્બર ખાતે મિટીંગ મળી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે રેલ્વે બોર્ડ તથા પોસ્ટ વિભાગના અધિકારીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વે બોર્ડના સ્ટ્રેટેજિક પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લીમેન્ટેશનના એકઝીકયુટીવ ડાયરેકટર જી.વી.એલ. સત્યકુમાર, સુરત રેલ્વે સ્ટેશનના ડાયરેકટર મુકેશ કુમાર તથા તેમની સમગ્ર ટીમ અને દક્ષિણ ગુજરાત રિજીયોનના પોસ્ટ સર્વિસિસના ડાયરેકટર ડો. શિવરામ ઉપસ્થિત રહયા હતા.
આ મિટીંગમાં સુરત શહેરના કાપડ માર્કેટમાં દુકાનો ધરાવતા કાપડ વેપારીઓના સાડી, ડ્રેસ મટિરિયલ, દુપટ્ટા સહિતના પાર્સલો દેશના અન્ય શહેરોમાં રેલ્વે તથા પોસ્ટ વિભાગ દ્વારા સરળતાથી મોકલી શકાય તે માટેની ચર્ચા કરાઇ હતી. તદુપરાંત રેલ્વે તથા પોસ્ટ વિભાગના પાર્સલના ભાડા, કલેકશન સેન્ટરો, પાર્સલ બુકીંગની વ્યવસ્થા, લોજિસ્ટીક વ્યવસ્થા યોગ્ય રીતે ઉભી કરી શકાય તે માટે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ રેલ્વે બોર્ડ તથા પોસ્ટ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે, કાપડના પાર્સલોની તંગી ઉભી થશે નહીં. તેજીમાં તો કાપડના પાર્સલો સુરતથી મળી જ રહેશે પરંતુ એ સિવાયના સમયમાં પણ પાર્સલો રેલ્વેને મળશે, આથી રેલ્વે તંત્રએ ડોર ટુ ડોર કલેકશન માટે કાપડ વેપારીઓને સહકાર આપવો જોઇએ.
કાપડ વેપારીઓની મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે રેલ્વે તંત્ર દ્વારા કાપડના પાર્સલોને દેશના અન્ય શહેરો સુધી પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે. આ ઉપરાંત સુરતથી જયપુર, કોલકાત્તા વિગેરે મહત્વની કાપડ મંડી સુધી જતી લાંબા અંતરની નવજીવન હાવડા જેવી ટ્રેનોમાં કાપડના પાર્સલોની એક બોગી જોડવામાં આવે તેમ ચેમ્બરના પ્રમુખે રેલ્વે બોર્ડના અધિકારીઓને સૂચન કર્યું હતું.
રેલ્વે બોર્ડના જી.વી.એલ. સત્યકુમારે જણાવ્યું હતું કે, સુરતમાંથી કાપડના પાર્સલો વારાણસી ખાતે મોકલવામાં આવી રહયા છે, પરંતુ રેલ્વે તંત્રએ હવે દેશના અન્ય શહેરોમાં પણ સુરતથી કાપડના પાર્સલો ટ્રેન દ્વારા પહોંચાડવા માટે ઇનિશિએટીવ હાથ ધર્યું છે. રેલ્વે અને પોસ્ટ વિભાગ દ્વારા જાન્યુઆરી– ર૦ર૩ થી કાપડના પાર્સલો રેગ્યુલર ટ્રેનમાં મોકલવા માટે પ્રયાસ કરાઇ રહયો છે. રેલ્વે તંત્રએ મોબાઇલ એપ પણ બનાવી છે, જેમાં નોર્મલ બુકીંગ ફીચરથી કાપડના વેપારીઓને સજાગ કરાશે. રેલ્વે તંત્ર દ્વારા હિન્દી ભાષામાં પેમ્ફલેટસ પણ કાપડ માર્કેટોમાં વહેંચાશે અને વિડિયો મેસેજથી કાપડ વેપારીઓને જાગૃત કરાશે.
મિટીંગમાં એવી ચર્ચા કરવામાં આવી હતી કે, રોડ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી કાપડના પાર્સલો દેશના અન્ય શહેરોમાં મોકલવામાં આવે જ છે પણ કાયમી ધોરણે પાર્સલ ટ્રેન ચાલુ થશે તો કાપડ વેપારીઓને તેનો વધુ લાભ થશે. એના કારણે અન્ય શહેરોના કાપડના વેપારીઓને પાર્સલો વહેલી તકે મળશે અને રેલ્વેને પણ સારી આવક થશે.
વેર હાઉસમાં કાપડના પાર્સલો સ્ટોર કરવા માટે પ્લાનિંગ કરી શકાય. સુરતમાં એક ડેપો ઉભો કરવામાં આવે તો ઘણું સારું રહેશે. રીંગરોડ પર ફલાયઓવરની નીચે કાપડના પાર્સલો માટે કલેકટીંગ સેન્ટર બનાવી શકાય તેમ સૂચન કરાયું હતું. આ મિટીંગમાં રેલ્વે તંત્ર તથા પોસ્ટ વિભાગના અધિકારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ તથા કાપડ વેપારીઓને સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી ભાવેશ ટેલરે મિટીંગનું સમગ્ર સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયાએ રેલ્વે તથા પોસ્ટ વિભાગના અધિકારીઓ તરફથી કાપડ વેપારીઓની મુશ્કેલીના નિવારણ માટે જે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો હતો તે બદલ તેઓનો આભાર માન્યો હતો.
આ મિટીંગમાં ચેમ્બરના ગૃપ ચેરમેન તેમજ ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, ફોસ્ટાના સેક્રેટરી ચંપાલાલ બોથરા તથા અન્ય કાપડ વેપારી અગ્રણીઓ, ચેમ્બરના ગૃપ ચેરમેન સંજય ગાંધી તથા ચેમ્બરની રેલ્વે કમિટીના ચેરમેન રાકેશ શાહ અને કો–ચેરમેન બિપિન પટેલ તથા અન્ય કમિટી સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.