એજ્યુકેશન

‘એન્જીનિયરીંગમાં કારકિર્દી’વિશે સેમિનાર યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે સોમવાર, તા. ૪ જુલાઇ, ર૦રર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે વરાછા રોડ સ્થિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના સેમિનાર હોલ ખાતે ઇજનેરી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટી. એન્ડ પી. ઓફિસર વિપુલ ગોટી અને આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડીન ફોરમ ધરસંડિયા દ્વારા વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના ઇલેકટ વાઇસ પ્રેસિડેન્ટ તેમજ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ કારકિર્દીને ટેન્શનથી નહીં પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી આવડતને ઓળખીને એન્જીનિયરીંગની બ્રાંચ પસંદ કરી તે દિશામાં સફળ કારકિર્દી બનાવવી જોઇએ.

શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના પ્રિન્સીપલ જિગ્નેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, હવે ઇન્ડસ્ટ્રી ૪.૦ ભવિષ્ય છે અને એનામાં આવતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે એન્જીનિયર્સની જરૂર પડશે. આખું વિશ્વ બદલાઇ રહયું છે ત્યારે ઇમર્જીંગ એરીયામાં ૪૦૦ જેટલા વિવિધ કોર્સિસ છે. જેના થકી વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટી. એન્ડ પી. ઓફિસર વિપુલ ગોટીએ જણાવ્યું હતું કે ધોરણ ૧ર પછી વિદ્યાર્થીઓ આર્કિટેકચર, એવીએશન સાયન્સ, બેચરલ ઓફ સાયન્સ, એન્જીનિયરીંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બેચરલ ઓફ સાયન્સ ઇન નોટીકલ ટેકનોલોજીમાં અભ્યાસ કરીને કારકિર્દી ઘડી શકે છે. એન્જીનિયરીંગ ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે રપ થી વધુ બ્રાંચ ઉપલબ્ધ છે. જેમાં સિવિલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન અને મિકેનિકલ એન્જીનિયરીંગ કોર બ્રાંચ છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડીન ફોરમ ધરસંડિયાએ એન્જીનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા અને શિષ્યવૃત્તિ યોજનાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને ગુજરાતની એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એસીપીસી) માટે મુખ્યત્વે જરૂરી એવા ડોકયુમેન્ટ્‌સ જેવા કે રજિસ્ટ્રેશન ફોર્મ, ધોરણ ૧૦ માર્કશીટ, ધોરણ ૧ર માર્કશીટ (હોલ ટિકીટ), જાતિનું પ્રમાણપત્ર, ઇડબ્લ્યુએસ સર્ટિફિકેટ અને ગુજકેટ માર્કશીટ વિશે સમજણ પણ આપી હતી.

ચેમ્બરની એમએસએમઇ કમિટીના ચેરમેન સીએ શૈલેષ લાખનકીયાએ ઉપરોકત સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું. સેમિનારના અંતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્‌યુટ ઓફ ટેકનોલોજીના ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વડા અવની લખલાનીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button