આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : ડીસીપી પન્ના મોમાયા
મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓથી મહિલાઓને અવગત કરાવવા માટે જીસીસીઆઇ તથા એસજીસીસીઆઇ દ્વારા વેબિનાર યોજાયો
સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો મહિલા પોલીસને ફરિયાદ કરી શકે છે. આ મામલે પોલીસ આરોપીની સામે ડોમેસ્ટીક વાયોલેન્સ તરીકે ગુનો દાખલ કરી શકે છે. કોઇપણ સંસ્થા અથવા કંપનીમાં દસથી વધારે મહિલાઓ નોકરી કરતી હોય ત્યારે ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી બનાવવાની હોય છે. આ કમિટી સમક્ષ પણ મહિલા ફરિયાદ કરી શકે છે. દસથી ઓછી મહિલાઓ કામ કરતી હોય તો પણ જે તે સંસ્થા તેમજ કંપનીએ કલેકટરને માહિતી આપવાની હોય છે.
કિશોરીઓનું અપહરણ કરી તેઓને બળજબરીપૂર્વક દેહવેપારમાં ધકેલી દેવામાં આવે છે. આ ગુનાખોરીને અટકાવવા માટે વર્ષ ૧૯પ૬ માં કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે દેવદાસી પ્રોહિબિશન એકટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં દિકરીઓને મંદિરોમાં આપી દેવાની ઘટના બનતી હતી. જેને અટકાવવા માટે દેવદાસી પ્રોહિબિશન એકટ બનાવવામાં આવ્યો છે. હવે તો દિકરીને પિતાની મિલકતમાં દિકરા સમાન જ હક મળે છે.
મહિલાઓની ગરીમા જાળવવા માટે તેમની સાથે અભદ્ર વ્યવહાર કરનાર તેમજ તેમની છેડતી કરનાર સામે ગુનો દાખલ કરવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. એના માટે પોલીસે અભયમ હેલ્પ લાઇન કાર્યરત કરી છે. જેમાં છેડતીનો ભોગ બનનાર મહિલા ૧૦૦ તથા ૧૮૧ નંબર ડાયલ કરીને પોલીસની મદદ મેળવી શકે છે તેમજ સંબંધિત પોલીસ મથક અથવા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરી શકે છે.
સદીઓથી ચાલી આવતી દહેજપ્રથાને દૂર કરવા માટે કાયદો બન્યો છે. આ ઉપરાંત ભરણપોષણનો પણ કાયદો બનાવવામાં આવ્યો છે. બળાત્કારીઓને ફાંસીના માચડે લટકાવવા માટે બનેલા કાયદા અન્વયે ભોગ બનનાર મહિલાનો કેસ મહિલા વકીલ લડી શકે છે. મહિલા જજ તેનો કેસ ચલાવી શકે છે અને મહિલા ડોકટર જ તેની તબીબી તપાસ પણ કરી શકે છે.
ડીસીપી પન્ના મોમાયાએ મહિલાઓને સુરક્ષિત રહેવા માટેની વિવિધ ટીપ્સ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે પણ ઘરની બહાર માર્કેટમાં અથવા કોઇ સ્થળે જવા માટે નીકળે ત્યારે જાહેર માર્ગો પરથી જ પસાર થવું જોઇએ. અવાવરું જગ્યાએથી પસાર થવાનું ટાળવું જોઇએ. જાહેર માર્ગો ઉપર પોલીસે સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે. આથી મહિલા સાથે કોઇ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ આરોપી સુધી પહોંચી શકે છે. માર્કેટ વિસ્તાર અથવા જાહેર માર્ગો ઉપર મહિલાઓએ ચેઇન, પર્સ તથા મોબાઇલ સ્નેચરોથી સાવધાન રહેવું જોઇએ. સોશિયલ મિડિયામાં પણ અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી જોઇએ નહીં અને સોશિયલ મિડિયાનો ખૂબ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.
તેમણે વધુમાં કહયું હતું કે, આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવવી જોઇએ. એના માટે દિકરીઓને ભણાવવી જ જોઇએ. કોઇ ફરિયાદ પણ મળે છે તો દિકરીઓને સ્કૂલે મોકલવાનું બંધ કરવાને બદલે વાલીઓએ પોલીસની મદદથી આરોપીને પાંજરે પુરવાની દિશામાં પગલા ભરવા જોઇએ. વેબિનારમાં તેમણે મહિલા સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબ પણ આપ્યા હતા.
આ વેબિનારમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. જીસીસીઆઇના બિઝનેસ વિમેન વીંગના ચેરપર્સન કુસુમ વ્યાસે વેબિનારનું સંચાલન કર્યું હતું. એસજીસીસીઆઇના વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વકતા ડીસીપી પન્ના મોમાયાનો પરિચય આપ્યો હતો. વેબિનારના અંતે જીસીસીઆઇના બિઝનેસ વિમેન વીંગના કો–ચેરપર્સન સાચી મહેતાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.