યુટીટી 86મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ : ગુજરાતના આઠ ટીટી ખેલાડી મેઇન ડ્રોમાં પ્રવેશી
મિક્સ ડબલ્સઃ મોખરાના ક્રમના માનુષ, દિયા ટુર્નામેન્ટમાંથી આઉટ

સુરત, 24 જાન્યુઆરીઃ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 86મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શુક્રવારે ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી કેમ કે તેની આઠ ખેલાડી વિમેન્સ સિંગલ્સ માટેના મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી.
આ પ્રતિષ્ઠિત ચેમ્પિનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ થઈ રહ્યું છે. જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)નો સહકાર સાંપડેલો છે.
આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) છે અને હીરો તેના સ્પોન્સર છે અને કો-સ્પોન્સર એનજે ગ્રૂપ છે તો એસોસિયેટ્સ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ, ઓએનજીસી, પ્રતિભા ગ્રૂપ અને એરપર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ છે, સ્ટિગા ઇક્વિપમેન્ટ સ્પોન્સર રહેશે જ્યારે SIDS હોસ્પિટલ મેડીકલ પાર્ટનર રહેશે.
ગુજરાતની મોખરાની ખેલાડી ક્રિત્વિકા સિંહા રોયે તેના રાજ્યની ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને પહેલાં જ મેઇન ડ્રોમાં પ્રવેશ મેળવી લીધો હતો. ઓઇશિકી જોઆરદાર, સિદ્ધિ પટેલ, ફ્રેનાઝ ચિપીયા, ફિલઝાહ ફાતીમા કાદરી, પ્રાથા પવાર, આફ્રિન મુરાદ અને રિયા જયસ્વાલે પણ મેઇન ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું હતું.
દરમિયાન મિક્સ ડબલ્સમાં મેજર અપસેટ સર્જાયો હતો કેમ કે મોખરાના ક્રમના માનુષ શાહ (વડોદરા) અને દિયા ચિતાલે (રિઝર્વ બેંક)ની જોડી ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ હતી. ઓડિશાના તુષાર ચૌહાણ અને સ્વેતપદ્મા દલાઈની જોડી સામે તેમનો 8-11, 5-11, 7-11થી પરાજય થયો હતો.