સુરત

ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો

સુરત: ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ‘ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન’નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે, જે ક્લાયમેટ ચેન્જની દિશામાં કાર્યરત હોય.

ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ તેમની એનજીઓ ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં વર્ષ ૨૦૧૯થી જૂદા જૂદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એ ગર્વની બાબત છે.

ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહ્વાન આપી રહ્યા છે. ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે.

તો સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્માએ જણાવ્યું હતું, ‘એક સમયે કોઈના ધ્યાનમાં પણ નહોતું આવતું એવું ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક બ્રેન્ડ બની ગયું છે. જેનો તમામ શ્રેય હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને વિરલ દેસાઈને જાય છે.’

ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે. તો સ્ટેશન પરિસરમાં જ ચારસો ચકલીઓ સાથેનું સ્પેરોઝોન આવેલું છે. એ સીવાય સ્ટેશન પર પચાસ જેટલા યુનિક પેઈન્ટિંગ્સ અને કેટલાક આંકડા સાથે ગ્રીન ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી રોજ સોળ હજાર જેટલા લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મળે છે.

એ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના કેમ્પસમાં જ ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ અર્બન ફોરેસ્ટ દેશના શહીદોને સમર્પિત કરીને તેને ‘શહીદ સ્મૃતિ વન’ નામ અપાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button