પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર પુલવામા શહીદોના માનમાં રોપાયેલા ચાળીસ તોતિંગ વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ
સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર પુલવામા હુમલાની વર્ષીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે જ પુલવામા શહીદોના માનમાં રોપાયેલા ચાળીસ તોતિંગ વૃક્ષોની સામે શહીદોના નામની તકતીઓનું અનાવરણ થયું હતું. તેમજ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનારી વિશિષ્ટ હસ્તીઓને ‘પર્યાવરણ સેનાની સન્માન’થી સન્માનીત પણ કરાઈ હતી.
સુરતના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમની થીમ પર દેશ, એશિયા અને દુનિયાનું પ્રથમ મોડેલ સ્ટેશન તરીકે વિકસાવ્યું છે. પર્યાવરણની થીમ પર તૈયાર થયેલા આ મોડેલ સ્ટેશનનું તમામ કાર્ય ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પુલવામા શહીદોને સમર્પિત કરાયું હતું, જેથી ઉધના સ્ટેશન પર પુલવામા વર્ષીએ દર વર્ષે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે.
આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના સંદર્ભે આ વર્ષથી અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’ મુવમેન્ટ ચલાવી હતી, જે ચળવળના ભાગરૂપે અમે ‘પર્યાવરણ સેનાની સન્માન’ની શરૂઆત કરી છે. દેશના સૈનીકો જે રીતે સરહદ પર આપણી રક્ષા કરે છે એ રીતે આપણે પણ હવે પર્યાવરણ સેનાની બનીને દેશના લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવી પડશે. એ કારણે જ આ વર્ષથી અમે પર્યાવરણ સેનાનીઓને સન્માનિત કરી વધુ ને વધુ લોકોને પર્યાવરણ તરફ દોરવાનો ચીલો ચાતર્યો છે.’
શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં ડીએફઓ પુનીત નૈયર, જાણીતા વનસ્પતીશાસ્ત્રી ડૉ. મીનુ પરબીયા, વડોદરા એમ.એસ યુનિવર્સિટીના જિયોગ્રફી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. બિન્દુ ભટ્ટ તેમજ સમાજસેવક ભરતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવ્યું છે, જ્યાં ચાળીસ જવાનોના માનમાં ચાળીસ મોટા વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો અહીં શહીદોના માનમાં ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ‘શહીદ સ્મૃતિ વન’ નામનું એ ફોરેસ્ટ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયું છે.