અશરીરી બનવા માટે શરીરથી જ સાધના કરવી પડેઃ આચાર્ય જિનસુંદરસૂરીશ્વરજી મહારાજ

શ્રી નીલકંઠ જૈન સંઘ – અમરોલી (સુરત)ના આંગણે પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી જિનસુંદરસૂરીશ્વરજી મહારાજાએ પ્રવચનમાં ફરમાવ્યું કે આજે નવપદજીનો બીજો દિવસ છે એટલે આજના દિવસે સિદ્ધ પરમાત્માની આરાધના કરવાની હોય છે જેમાં 8 ખમાસણા-પ્રદક્ષિણા-સાથિયા 8 લોગરસનો કાઉસગ્ગ અને “ઓમ હ્રીઁ નમો સિધ્ધાણં” પદની 20 માળા ગણવાની હોય છે.
આ આરાધનાની સાથે સિદ્ધિમાં રહેલા ગુણોની પણ આરાધના કરવાની છે. સિદ્ધ ભગવંતો શરીર વિનાના હોય છે. તેમણે શરીર પરનું પણ મમત્વ છોડી દીધું છે. બસ! એટલે પણ અશરીરી બનવા માટે તેમના પ્રત્યેનું મમત્વ છોડવાનું છે. શરીર પર એક મચ્છર પણ બેસી જાય તો પણ સહન થતુ નથી. આ શરીર એક દિવસ સ્મશાન ભેગુ જ થવાનુ છે તે મળ – મૂત્રથી જ ભરેલુ છે. તેમાં ગમે તેવી સારી વસ્તુ નાંખવામાં આવે તેને કાચી સેકંડમાં જ ખરાબ કરી નાખે છે. તેની પર મોંઘામાં મોંઘુ સેંટ – અત્તર છાંટવામાં આવે તેને પણ 2/4 કલાકમાં દુર્ગંધી બનાવી દે છે. વિશ્વમાં શરીર નામનું એક જ મશીન એવું હશે જે સારી વસ્તુને ખરાબ કરી નાખે છે. માટે જ શરીરનો જેટલો સદુપયોગ થઇ શકે એટલુ કરી લેવા જેવુ છે.
આ શરીરમાં જો કોઈ રોગ ઘુસી ગયો તો હોટલમાં જવાનું તો બંધ થઇ જશે સાથે તીર્થોની યાત્રા પણ બંધ થઇ જશે. એટલે શરીર જ્યાં સુધી સાથ આપે છે ત્યાંસુધી તેનાથી આરાધના – સાધના કરી લો. પુણ્ય જેટલું ભેગુ થઇ શકે એટલુ કરી લો. કર્મનો નાશ જેટલો વધુમાં વધુ થઇ શકે એટલું કરી લો. ટૂંકમાં સિદ્ધ ભગવાન અશરીરી છે અને શરીર નાશવંત છે માટે અશરીરી બનવા માટે શરીરનો સદુપયોગ કરી લો.