બિઝનેસસુરત

બિઝનેસમાં ઊંચાઇ હાંસલ કરવાની ઉદ્યોગ સાહસિકોમાં જીદ અને નિડરતા હશે તો જ ઊંચાઇએ પહોંચી શકાશે : પરિમલ શાહ

ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશનમાં ગુરૂ ફિલ્મમાંથી કન્ટેન્ટના આધારે ‘અનસ્ટોપેબલ’વિષે ઉદ્યોગ સાહસિકોને સમજણ આપવામાં આવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશન અંતર્ગત  નાનપુરા, સુરત ખાતે ‘અનસ્ટોપેબલ’વિષય ઉપર ટ્રેઇનીંગ સેશન યોજાયું હતું. જેમાં સુરતના ટ્રેઇનર તેમજ જીની કન્સલ્ટન્સીના ફાઉન્ડર પરિમલ શાહે ગુરૂ ફિલ્મમાંથી ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઇ અંબાણીના જીવન ચરિત્ર પરથી જરૂરી કન્ટેન્ટ લઇ ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શાર્પ ઓબ્ઝર્વર, ફિયરલેસ, સેલ્ફ બિલીફ, સેલ્ફ એસ્ટીમ, થીન્ક બિગ ડ્રીમ બિગ, થીન્ક ફાસ્ટ એકશન ફાસ્ટ, કયારેય ‘ના’ નહીં કહેવું, બી સ્માર્ટ લિસ્નર બી સ્માર્ટ કોમ્યુનિકેટર અને કયારેય પોતાને મર્યાદિત નહીં કરવું જેવી મહત્વની બાબતો વિષે ઉદ્યોગ સાહસિકોને સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ઘણી બધી ફિલ્મો એ સમાજને ખૂબ જ સારો સંદેશ આપી જાય છે અને એમાંથી પ્રેરણા લઇને ઉદ્યોગ સાહસિકો પણ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નવું સાહસ કરીને બિઝનેસમાં નવી ઊંચાઇ સુધી પહોંચી જાય છે.

પરિમલ શાહે જણાવ્યું હતું કે, ધીરૂભાઇ અંબાણી ઉપર આધારિત ફિલ્મ ગુરૂમાં ઉદ્યોગ સાહસિકોને શીખવા માટે ઘણી બધી બાબતો છે. પહેલા જ્યારે કોઇ વ્યકિત મોટા લક્ષ્યને હાંસલ કરવાની વાતો કરે ત્યારે લોકો તેને એવું કહેતા કે ‘શેખ ચીલ્લીના વિચાર ના કરીશ’અથવા ‘મુંગેરીલાલ કે હસીન સપને.’ પરંતુ આ કહેવતોને પાછળ મુકીને મોટા સપના જુઓ અને તેને પૂર્ણ કરવા માટે મંડી પડો એ બાબતને સાર્થક કરી દીધી હતી. ધીરૂભાઇ અંબાણીનું ઓબ્ઝર્વેશન જબરજસ્ત હતું. નિરીક્ષણથી તેઓ પરિસ્થિતિને સમજી તેના અનુરૂપ નિર્ણયો લઇને બિઝનેસમાં આગળ વધતા હતા.

વધુમાં તેમણે કહયું કે, ઉદ્યોગ સાહસિક તરીકે તમે કોઇ બિઝનેસમાં ઝંપલાવવાનું વિચારો છો અને જો તમારામાં આત્મવિશ્વાસ જ નહીં હોય તો તમે કયારેય આગળ નહીં વધી શકશો. ગુરૂ ફિલ્મમાં દર્શાવ્યા મુજબ જ્યારે ધીરૂભાઇને પ્રમોશન મળે છે ત્યારે એ પોતાના માટે કામ કરીને આગળ વધવાનું નકકી કરે છે. તમને જ્યારે તમારી જાત ઉપર ભરોસો હોય અને એ ભરોસાને તમે હકીકતનું રૂપ આપવાની દિશામાં પ્રયાસ કરો છો ત્યારે માત્ર એવા જ લોકોની સંગતમાં રહો કે જે તમને આગળ વધવા માટે પ્રેરીત કરે. ડીમોરલાઇઝ કરનારી વ્યકિતની સંગતમાં રહેશો તો એ તમારા ભરોસાને પણ મારી નાંખશે.

બિઝનેસમાં કશુંક મોટું કરવાની જીદ હોવી જોઇએ. એના માટે પેશનેટ હોવું અગત્યનું છે અને ત્યારબાદ ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. બિઝનેસમાં જ્યારે ઇન્વોલ્વમેન્ટ હશે ત્યારે જ બિઝનેસમેન ફિયરલેસ બને છે. બિઝનેસમાં મુશ્કેલીઓ તો ડગલે ને પગલે આવશે જ પણ દરેક સમસ્યાનું નિરાકરણ શોધતા આવડવું જોઇએ. એના માટે ઉદ્યોગ સાહસિકોએ નીડર અને કયારેક બોલ્ડ થવાની પણ જરૂર હોય છે. બિઝનેસમાં લીધેલા નિર્ણય વિષે ભાગીદારો તથા અન્યોને સહમત કરવાની આવડત પણ કેળવવી પડે છે. અંતે સૌથી મહત્વની બાબત વિષે તેમણે કહયું હતું કે, બિઝનેસમાં સફળ થવા માટે રિસ્ક લેવાની તૈયારી રાખવી પડે છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ વકતાનો પરિચય આપ્યો હતો અને સમગ્ર સેશનનું સંચાલન પણ કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button