સુરત

બારડોલી ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ કાર્યક્રમ યોજાયો

વીજળીકરણ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

સુરતઃઆઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને મિનીસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના સંયુકત ઉપક્રમે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પાવર@૨૦૪૭’ કાર્યક્રમ સુરત જિલ્લાના બારડોલી તાલુકા મથકે આવેલા ટાઉન હોલ ખાતે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ મહાનુભાવોના હસ્તે ઝુંપડપટ્ટી વીજકરણ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું કે, આદિવાસી સમાજમાં જમીનની ૭/૧૨ની નકલોમાં અનેક નામો હોવાથી કોઈ એક વ્યકિત ખેતી માટે સ્વતંત્ર વીજ કનેકશન મેળવી શકતો ન હતો. આ સંદર્ભે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે પછી ૭/૧૨ની નકલમાં જેટલા નામો હોય અને તે જમીન ધારણ કરતા હોય તો તેઓ પણ સ્વતંત્ર વીજ કનેકશન મેળવી શકશે. ખેડૂતોની સમૃધ્ધિ અને લોકોના સ્વાસ્થ્ય માટે દરેક ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ ધારાસભ્યએ કર્યો હતો.

ધારાસભ્યએ વીજળીક્ષેત્રે છેલ્લા પાંચ વર્ષની વિકાસગાથા વર્ણવતા કહ્યું કે, ૨૮૧૭ ગરીબ જરૂરિયાતમંદોને ઘર વપરાશમાં વીજજોડાણો વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, જ્યારે ૩૭ નવા સબ સ્ટેશનો નિર્માણ પામ્યા છે. કિસાન સુર્યોદય ઉર્જા શકિત યોજના હેઠળ પાંચ વર્ષમાં ૩૯૩ નાની ક્ષમતાના ટ્રાન્સફોર્મરો લગાડવામાં આવ્યા છે. આઈપીડીએસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં રૂા.૫.૨૭ કરોડના ખર્ચે વીજ માળખામાં સુદ્રઢીકરણ કરવામાં આવ્યું હોવાની વિગતો તેમણે આપી હતી.

આ વેળાએ નુકકડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમાં પરંપરાગત માધ્યમથી વીજળીના વિવિધ સ્વરૂપો જેવા કે સૌર, પવન અને જળ ઉર્જાના વિવિધ ઉપયોગો વિશે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉપયોગી સબસીડી અંગેની વિગતો રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી. જુદી જુદી વીડિયો ફિલ્મના માધ્યમથી વિદ્યુતક્ષેત્રમાં સરકારની વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ  ફાલ્ગુનીબેન દેસાઈ, ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના સભ્ય રોશન પટેલ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button