સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦ર૩ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘બાયો ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી સિનારીયો’વિષય ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેનલિસ્ટો તરીકે ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મીશનના જોઇન્ટ સેક્રેટરી તેમજ સાવલી ટેકનોલોજી ઇનકયુબેટરના ડાયરેકટર ડો. આનંદ ભાદલકર, અમદાવાદના જીની એક્ષ્પ્લોરના સીઇઓ ડો. શિવા શંકરન, ઓલપાડના મયંક એકવાના ઉદ્યોગ સાહસિક મયંક શર્મા, સુરતના એસટીરૂમ્ડ સોલ્યુશન પ્રા.લિ.ના કો–ફાઉન્ડર તેજસ બેન્ગાલી, ગ્રીન એગ્રો પ્રા.લિ.ના ચેરમેન ડો. નિર્મલ યાદવ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયો ટેકનોલોજી વિભાગના કો–ઓર્ડિનેટર તેમજ ચેમ્બર ઓફ કોમર્સની બાયો ટેકનોલોજી કમિટીના ચેરમેન ડો. ગૌરવ શાહ ભાગ લીધો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારત એ વિશ્વભરમાં બાયો ટેકનોલોજી ક્ષેત્રે ટોચના ૧ર સ્થાનોમાં અને એશિયા પેસિફિકમાં ત્રીજું સૌથી મોટું સ્થાન ધરાવે છે. વર્ષ ર૦રર માં બાયો ટેકનોલોજી ઉદ્યોગે ૮૦.૧ર બિલિયન યુએસ ડોલરનો બિઝનેસ કર્યો હતો. બાયો ઇકોનોમી એક વર્ષમાં ૭૦.ર બિલિયન યુએસ ડોલરથી વધીને ૮૦.૧ર બિલિયન યુએસ ડોલર થઇ છે. આ બિઝનેસમાં ગત વર્ષની તુલનામાં ૧૪ ટકા ગ્રોથનો વધારો નોંધાયો છે. બાયો ટેકનોલોજી ક્ષેત્રે આશરે પાંચ હજાર જેટલી કંપનીઓ કાર્યરત છે, જેમાં ૪ર૪૦ સ્ટાર્ટ–અપ્સ અને ૭૬૦ કોર બાયોટેક એન્ટરપ્રાઇસિસનો સમાવેશ થાય છે. વર્ષ ર૦ર૪ સુધીમાં આ આંકડો દસ હજારને વટાવી જવાની શકયતા છે.
વર્ષ ર૦ર૧ માં વૈશ્વિક બાયો ટેકનોલોજી બજારનું કદ ૧૦ર૩.૯ર બિલિયન યુએસ ડોલર હતું અને એમાં વર્ષ ર૦રરથી ર૦૩૦ સુધીમાં ૧૩.૯ ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બાયોટેકની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સક્ષમ રાજ્ય છે. ગુજરાત એ ભારતના સૌથી મોટા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું ઘર પણ છે. ગુજરાત પાસે તેની સ્વતંત્ર બાયો ટેકનોલોજી પોલિસી છે, જેમાં ખૂબ જ આકર્ષક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આજની બાયો ટેકનોલોજી સંબંધિત પેનલ ચર્ચામાં નિષ્ણાંતો દ્વારા જે વિશ્લેષણ રજૂ કરાશે એ યુવાઓને આ ક્ષેત્રે ઝંપલાવવા માટે ચોકકસપણે પ્રોત્સાહિત કરશે.
ડો. આનંદ ભાદલકરે જણાવ્યું હતું કે, બાયો ટેકનોલોજી ક્ષેત્રે ઝંપલાવનાર ઉદ્યોગ સાહસિકો તેમજ વિદ્યાર્થીઓને સહયોગ મળી રહે તે માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસ કરાઇ રહયાં છે. ખાસ કરીને સરકાર દ્વારા બાયો ટેકનોલોજી પાર્ક, વેન્ચર કેપિટલ ફંડ અને રિસર્ચ સેન્ટર ઉભા કરવામાં આવી રહયાં છે. સરકાર માર્કેટ વિષે પણ માહિતી આપે છે. સાથે જ વિદ્યાર્થીઓ તથા અન્ય કોઇને પણ આ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિક બનવા માટે સબસિડી પણ આપે છે.
ડો. શિવા શંકરને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પીએચડીની થિસિસને બાયો ટેકનોલોજી ક્ષેત્રે બિઝનેસમાં કન્વર્ટ કરી શકે છે. જો વિદ્યાર્થીઓ અથવા અન્ય કોઇપણ વ્યકિત આ ક્ષેત્રે બિઝનેસ કરવા ઇચ્છતી હોય તો તેઓના માટે ઘણી તકો છે. બિઝનેસ કરવાનું નકકી કર્યા બાદ તેઓ ભારતના બાર શહેરોમાં અને વિશ્વના ચાર દેશોમાં બાયો ટેકનોલોજીનો બિઝનેસ કરી રહયાં છે તેમ કહીને તેમણે બધાને પ્રોત્સાહિત કર્યા હતા.
મયંક શર્માએ સુરતમાં દરિયા કિનારે ઝીંગા ઉછેરના બિઝનેસમાં બાયો ટેકનોલોજીના ઉપયોગ વિષે માહિતી આપી હતી. તેમણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહયું હતું કે, ઝીંગામાં દેખાતા વ્હાઇટ સ્પોટ ડિસીસ નામના રોગને અટકાવવા માટે બાયો ટેકનોલોજીનો ઉપયોગ મહત્વનો સાબિત થઇ રહયો છે. વ્હાઇટ સ્પોટ ડિસીસને કારણે ઉદ્યોગકારોને રૂપિયા પ૦ લાખથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીના એક લોટના ઉત્પાદનમાં રૂપિયા ૩ લાખનું નુકસાન થતું હતું, જેને બાયો ટેકનોલોજીની મદદથી અટકાવી શકયા છીએ. એકવા કલ્ચર બિઝનેસમાં ઉદ્યોગ સાહસિકોને સારી તક હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
તેજસ બેન્ગાલીએ જણાવ્યું હતું કે, બાયો ટેકનોલોજી ક્ષેત્રે દેશભરમાં સૌથી સારું રાજ્ય ગુજરાત છે અને એમાં પણ બિઝનેસને અનુકુળ આવે એવું શહેર સુરત છે. કારણ કે, સુરતમાં બાયો ટેકનોલોજીના બિઝનેસ માટે દરેક પ્રકારનું સાનુકુળ વાતાવરણ ઉપલબ્ધ છે. તેઓ પણ નોકરી છોડીને બાયો ટેકનોલોજીના બિઝનેસમાં જોડાયા હતા અને આજે તેમની પાસે ર૦ થી વધુ પેટન્ટ છે.
ડો. નિર્મલ યાદવે જણાવ્યું હતું કે, બાયો ટેકનોલોજીની મદદથી આજે બાયો ફર્ટીલાઇઝર અને બાયો પેસ્ટીસાઇડ બનાવવામાં આવે છે. કેમિકલને કારણે વાતાવરણમાં પ્રદુષિત થાય છે. જ્યારે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય છે. વાતાવરણમાં થતું પ્રદુષણ અને જમીનને થતું નુકસાન બાયો ટેકનોલોજીના મદદથી અટકાવી શકાય છે.
ડો. ગૌરવ શાહે જણાવ્યું હતું કે, ભારત સરકાર નેશનલ એજ્યુકેશન પોલિસી લાવી રહી છે. જેને કારણે એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી વચ્ચેનો ગેપ ઘટી જશે. ભવિષ્યમાં યુનિવર્સિટીઓ બાયો ટેકનોલોજીની સ્કીલવાળા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીને આપી શકશે. જેથી કરીને ઇન્ડસ્ટ્રીને જરૂરિયાત મુજબનું ટેલેન્ટ મળી રહેશે અને તેના થકી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે.
પેનલ ડિસ્કશનમાં મોડરેટર તરીકે ભૂમિકા અદા કરનાર ચેમ્બરની બાયો ટેકનોલોજી કમિટીના કો–ચેરમેન ડો. દર્શન મરજાદીએ જણાવ્યું હતું કે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, બ્રિજ અને ફૂડ માટે જાણીતું સુરત શહેર ભવિષ્યમાં બાયો ટેકનોલોજી માટે પણ જાણીતું થઇ જશે.
ચેમ્બરની બાયો ટેકનોલોજી કમિટીએ આ કાર્યક્રમના આયોજન માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. પેનલિસ્ટોએ ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ, રોકાણકારો અને સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન થયું હતું.