ઉદ્યોગલક્ષી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ તેઓના પ્રશ્નોના હકારાત્મક નિવારણ આવે તે માટે સરકાર કટિબધ્ધ છે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત
સરસાણા ખાતે ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સાથે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો સંવાદ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૭ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સરસાણા ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સાથે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોનો સંવાદ યોજાયો હતો. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોએ ઉદ્યોગલક્ષી પ્રશ્નો મંત્રીઓ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાતના બંને મંત્રીઓ તરફથી ઉદ્યોગલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ઉદ્યોગકારોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજ્યના ઉદ્યોગકારોને ઉદ્યોગલક્ષી તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેમજ તેઓના પ્રશ્નોના હકારાત્મક દિશામાં નિવારણ આવે તે માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ખાસ કરીને ઉદ્યોગોના વિકાસને ધ્યાને લઈ નવું પોલીસ મથક બનાવવાની બાબતે સત્વરે મંજૂરી આપવાની તત્પરતા દર્શાવી હતી.
આ ઇન્ટરેકટીવ સેશનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં ખાસ કરીને સચીન જી.આઈ.ડી.સી.ની બાજુમાં ઉંભેળ ખાતે નવા ઉદ્યોગ ડેવલપ થાય, ઈચ્છાપોર ખાતેની ઓટો એન્જિનિયરીંગને ઈન્ડસ્ટ્રીઝની માન્યતા મળે, નવા યુનિટો માટેની દરખાસ્તોને ઝડપી મંજૂરી મળે, પર્યાવરણને અનુલક્ષીને જી.આઈ.ડી.સી.ની પ૦૦ મીટર ફરતે ગ્રીન બેલ્ટ બનાવવા, પીએમ મિત્રા પાર્કમાં આવનાર ઉદ્યોગકારો સાથે વન ટુ વન બેઠક થાય, વ્યારા–સોનગઢ જેવા તાલુકાઓની ઈન્ડસ્ટ્રીઝને પ્રથમ કેટેગરીમાં સમાવેશ કરવા, માંગરોળ તાલુકામાં વોટરજેટ મશીનોને એન્વાયરમેન્ટ કલીયરન્સ ઝડપી મળે, કીમ આસપાસની ઈન્ડસ્ટ્રીઝોના વિકાસને ધ્યાને લઈ નવું પોલીસ મથક બનાવવાની રજૂઆતોનો સમાવેશ થયો હતો.
ભરૂચ–અંકલેશ્વરના ઉદ્યોગકારોની રજૂઆતો ઉપર એક નજર કરીએ તો પાનોલી–ઝગડીયામાં રેસિડેન્ટ જગ્યા ડેવલપમેન્ટ કરવા, સ્મશાનની જગ્યાની ફાળવણી, ઝગડિયાની ઈન્ડસ્ટ્રીઝોને વધુ પાણીની જરૂરીયાત મુજબ આગોતરૂ આયોજન કરવા, હેલ્થ સેન્ટર બનાવવા, હાઉસીંગ પ્લોટો મળી રહે, દહેજ ઈન્ડસ્ટ્રીઝ રોડ રસ્તાનું અપગ્રેડેશન થાય, ભરૂચ ઉદ્યોગસંધ વિસ્તારમાં જરૂરી અવર જવર માટે સારા રસ્તાઓનું નિર્માણ થાય, પાનોલી ઈન્ડસ્ટ્રીઝ નોટિફાઈડ એરિયાને ટેક્ષમાં ઈન્ક્રીમેન્ટ આપવું, ઝગડીયા ઈન્ડસ્ટ્રીઝમાં નવો રસ્તો, પાણી માટે લાઈન નાખવી જેવા પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી.
આ સેશનમાં ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ઉપ પ્રમુખ રમેશ વઘાસીયા, માનદ્ મંત્રી ભાવેશ ટેલર, માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો અને વિવિધ ઔદ્યોગિક એસોસીએશનોના પ્રતિનિધિઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહયાં હતાં.