સુરત

ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ને એટલાન્ટાના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા તથા અમેરિકાના એસોસીએશનો – સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો

પોલિએસ્ટર, નાયલોન વિસ્કોસ, કોટન, બ્લેન્ડેડ ફેબ્રિકસ, મહિલાઓ માટે ઇન્ડિયન એથનીક વેર, કુર્તી–કૃર્તા, હોમ ટેક્ષ્ટાઇલ, મેડીકલ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્‌સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીના સ્ટોલનો લાભ લેવામાં આવશે : આશીષ ગુજરાતી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યુ.એસ.એ.ના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનને એટલાન્ટા સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા તથા અમેરિકાના વિવિધ એસોસીએશનો અને સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનના ચેરમેન અમિષ શાહ અને કો–ચેરમેન હર્ષલ ભગતે બે દિવસ પહેલા એટલાન્ટા ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના કોન્સુલ જનરલ સ્વાતિ વી. કુલકર્ણીની મુલાકાત લીધી હતી. કોન્સુલ જનરલે ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને તમામ પ્રકારનો સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. એકઝીબીશનમાં ડેલીગેશનની વિઝીટ માટે મિટીંગ ગોઠવી આપવા માટે તેમજ તમામ ટેક્ષ્ટાઇલ એસોસીએશનોને સાંકળવા માટે કોન્સ્યુલેટ ઓફિસ તરફથી સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે અમેરિકામાં બાલ્ટીમોર ખાતે એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશનના ચેરમેન નિશાંતભાઇ પટેલ તથા અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. નિશાંતભાઇ પટેલ મુળ સુરતના વતની છે અને હાલમાં જ તેઓ આહોઆના ચેરમેન બન્યા છે. ચેમ્બરના એકઝીબીશનમાં હોમ ટેક્ષ્ટાઇલના સ્ટોલ રહેશે. આથી આ એસોસીએશન સાથે સંકળાયેલા તમામ હોટલના માલિકો તથા એજન્ટો પણ એકઝીબીશનની મુલાકાત લેશે અને એકઝીબીશનને સફળ બનાવવા માટે સહકાર આપશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાની સંસ્થા યુનાઇટેડ વર્લ્ડના પ્રમુખ જોન મેરી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ટેક્ષ્ટાઇલ, ફાયનાન્શિયલ, એગ્રીકલ્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વેપાર વધે તે અંગે મહત્વની ચર્ચા થઇ હતી. ચેમ્બરના એકઝીબીશનમાં બાયર્સ લાવવા અમેરિકાના સૌથી મોટા યુએસ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંપર્ક કરાવવાની તેમણે ખાતરી આપી હતી. સાથે જ હોલીવુડની એકસપર્ટાઇઝ ટીમને ડેલીગેશનના ભાગરૂપે સુરત લાવશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે એટલાન્ટામાં હોટલના માલિકો બોબીભાઇ અને ભીખુભાઇ સાથે મુલાકાત કરી હતી. ચેમ્બરના એકઝીબીશનને સફળ બનાવવા માટે તેઓએ પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ એટલાન્ટાના ઉદ્યોગકારોને ચેમ્બરનું પ્રતિનિધી મંડળ મળ્યું હતું. ઉદ્યોગકાર ઉપેન્દ્રભાઇ ભટ્ટ, ચતુરભાઇ છાબરીયા, વિજયભાઇ શાહ, આર.સી. પટેલ અને અશોકભાઇ પટેલે મેડીકલ ટેક્ષ્ટાઇલ માટે રસ દાખવ્યો હતો. ચેમ્બરના એકઝીબીશનમાં હોમ ટેક્ષ્ટાઇલની સાથે સાથે મેડીકલ ટેક્ષ્ટાઇલના પણ ઘણા સ્ટોલ રહેશે. આથી આ ઉદ્યોગકારો તેનો મહત્તમ લાભ લઇ શકશે. ઉદ્યોગકારો મુસ્તફાભાઇ અજમેરી, અમિતભાઇ દેસાઇ, વિરાજભાઇ શાહ અને રિકભાઇ દેસાઇએ ચેમ્બરને તમામ રીતે સહકાર આપવાનું જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે એટલાન્ટાના સૌથી મોટા ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નીક મસિની તથા ઓમ દુગ્ગલ અને રીંક વિગેરેની મુલાકાત લીધી હતી. તેમણે તમામ પ્રકારે ચેમ્બરના એકઝીબીશનને સફળ બનાવવા માટે સહકાર આપવા જણાવ્યું હતું. ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના તમામ ઉદ્યોગકાર સભ્યો એકઝીબીશનની મુલાકાત લેશે તેમજ વર્ષ ર૦ર૩ માં તેઓનું એક ડેલીગેશન સુરત ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતાર્થે આવશે તેમ જણાવ્યું હતું. ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નીક મસિનીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને દર વર્ષે અમેરિકા ખાતે એકઝીબીશન કરવા જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે વોશિંગ્ટન ખાતે અમેરિકન સી.એફ.એ. ઇન્સ્ટીટયુટના પ્રમુખ જેનીન સ્કવોટ સાથે મુલાકાત કરી હતી. તેમણે ચેમ્બરના એકઝીબીશનમાં તમામ આફ્રિકન દેશોના પ્રતિનિધીઓને આમંત્રિત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ લોસ એન્જલસ ખાતે મહિલા સાહસિક શિતલબેન દેસાઇ તથા રજનીભાઇ પટેલ અને ભગવાનભાઇ પટેલ સહિતના ઉદ્યોગ સાહસિકો સાથે મુલાકાત કરી હતી. તેમના સહકારથી ભારતીય કોમ્યુનિટીને ચેમ્બરના એકઝીબીશનમાં આમંત્રિત કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ચેમ્બર દ્વારા આગામી તા. ૯, ૧૦ અને ૧૧ જૂન, ર૦રરના રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશન યોજાશે. એટલાન્ટામાં ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે.

ત્યારબાદ તા. ૧૭ જૂનના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

આ એકઝીબીશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઇલ, મેડીકલ ટેક્ષ્ટાઇલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્‌સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહયા છે. યુ.એસ.એ.ના ટેક્ષ્ટાઇલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્‌સ, ફેશન ડિઝાઇનર્સ તથા હોટેલિયર્સ વિગેરે વિઝીટર્સ એકઝીબીશનમાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button