બિઝનેસસુરત

વિશ્વમાં ભારતની ઓળખ ઉભી કરવા માટે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી મહત્વની ભૂમિકા ભજવશે : દર્શનાબેન જરદોશ

ગુજરાત સરકાર હવે સુરતને સોલાર સિટી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે : ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

સુરત.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે સવારે ૧૦:૦૦ કલાકે સીટેક્ષ એક્ષ્પોમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે પધારેલા ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરાયું હતું.

સીટેક્ષ એક્ષ્પોના ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવ્યું હતું. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષ સંઘવી, બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર ચિરંજીબ સરકાર, ભારત સરકારના ટેક્ષ્ટાઇલ્સ સેક્રેટરી રચના શાહ (આઇ.એ.એસ.), ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. રાહુલ ગુપ્તા (આઇ.એ.એસ.), ધારાસભ્ય સંદીપ દેસાઇ અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ કમિશ્નર રૂપ રાશી પણ હાજર રહયાં હતાં.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારતના કેન્દ્રિય કાપડ મંત્રી પીયુષ ગોયલે વર્ષ ર૦૩૦ સુધીમાં દેશમાંથી ટેક્ષ્ટાઇલ એકસપોર્ટને ૧૦૦ બિલિયન યુએસ ડોલર સુધી લઇ જવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને હાકલ કરી છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજથી ત્રણ દિવસ માટે યોજાયેલો સીટેક્ષ એક્ષ્પો પરોક્ષ રીતે આ દિશામાં ટેક્ષ્ટાઇલ એકસપોર્ટને વધારવા માટે મદદરૂપ બનશે. આ ઉપરાંત ભારત સરકારે અમેરિકન, યુરોપિયન અને આફ્રિકન દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે તથા અન્ય દેશો સાથે એફટીએ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે અન્ય દેશો સાથેના ટ્રેડ એગ્રીમેન્ટ્‌સ કાપડનું એકસપોર્ટ વધારવા માટે મદદરૂપ ઠરશે.

ગ્લોબલી માર્કેટમાં સ્પર્ધાત્મક બનવા તથા એકસપોર્ટ વધારવા માટે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને માર્કેટીંગ નોલેજ, પ્રોડકટ નોલેજ, ટેકનોલોજી, પ્રોડકટ ઇનોવેશન, કવોલિટી એશ્યોરન્સ પ્રોસેસ અને કોસ્ટીંગ સ્ટ્રેટેજીસનું નોલેજ હોવું જરૂરી છે. ચેમ્બરના સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરીમાં અદ્યતન ટેકનોલોજીનું સીધું માર્ગદર્શન ઉદ્યોગકારોને મળી રહેશે. આ મશીનરીમાં રોકાણ કરવાથી ટેક્ષ્ટાઇલમાં કવોલિટી પ્રોડકશન કરી શકાશે, જે ગ્લોબલી માર્કેટમાં એકસપોર્ટ થઇ શકશે.

કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ ગ્લોબલ માર્કેટ કેપ્ચર કરવા માટે પ્લાનિંગ કરવું પડશે. ફાયનાન્સ, કોટન બેઇઝ પ્રોડકશન, એમએસએમઇ બેન્કીંગને સાથે જોડીને આગળ વધવું પડશે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સમગ્ર વેલ્યુ ચેઇનને સંકલન કરીને આગળ વધવું પડશે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટેનું ફંડ રૂપિયા ૪૦૦ કરોડથી વધારીને રૂપિયા ૧ર૦૦ કરોડ કરવામાં આવ્યું છે. જેમાં રિસર્ચ ઉપર વધારે ધ્યાન અપાઇ રહયું છે. પ્રોડકશનની સાથે માર્કેટીંગની દિશામાં વધુ પ્રયાસ કરવો પડશે.

રેડીમેડ ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં ઘણું પોટેન્શીયલ છે ત્યારે ઉદ્યોગે આ દિશામાં પ્રયાસ કરવો પડશે. હેન્ડલૂમ, હેન્ડીક્રાફટમાં ૭૦ ટકા મહિલાઓ કામ કરી રહી છે. દેશની આત્મનિર્ભરતા માટે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટી જવાબદારી છે, આથી વિશ્વમાં ભારતની ઓળખ ઉભી કરવા માટે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી મહત્વની ભૂમિકા ભજવશે. કાપડ ઉદ્યોગે હવે સિલ્કમાં સેકન્ડ લાર્જેસ્ટ એકસપોર્ટ બનવા માટે પ્રયાસ કરવો પડશે. કાશ્મીર તેમજ યુપી વિગેરે રાજ્યોમાં દેખાતા સિલ્કનું પ્લાન્ટેશન હવે નવસારીમાં પણ કરાયું છે.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી પેઢી સારું કામ કરી રહી છે ત્યારે ઉદ્યોગ સાહસિકો સ્પોટર્‌સ વેરમાં સ્ટાર્ટ–અપ કરી શકે છે. ભારત સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનના નેજા હેઠળ રૂપિયા ૧૦૬૮૩ કરોડની પીએલઆઇ સ્કીમ જાહેર કરી છે. જેમાં ગુજરાતમાંથી ૭ પ્લેયર્સ જોડાયા છે. સંકલનનો અભાવ નહીં રહે તે માટે પાંચથી છ વિભાગો સાથે મળીને કામ કરી શકે તેવી ઇકો સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. તેમણે ચેમ્બર ઓફ કોમર્સને સીટેક્ષ એકઝીબીશનની સફળતા માટે તથા બાંગ્લાદેશ ખાતે ચેમ્બર દ્વારા યોજાનારા ‘ઇન્ડિયા ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ માટે શુભકામના આપી હતી.

ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વર્ષ ર૦૧૯ માં ઉદ્યોગકારો માટે વ્યાજ માફી અને સહાયની યોજના લાવી હતી. નવસારી પાસે પીએમ મિત્રા પાર્ક માટે ઘટતી કડીઓને જોડવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. નવી ટેકનોલોજી અને ઇન્ફોર્મેશનનો જમાનો છે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી મશીનરી ડેવલપ થઇ રહી છે અને તેનું પ્રદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાઇ રહયું છે, આથી ગુજરાતના વિકાસ મોડેલમાં ચેમ્બર ઓફ કોમર્સનું પણ યોગદાન છે. ગુજરાત સરકાર હવે સુરતને સોલાર સિટી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નવી સ્પોર્ટ્‌સ પોલિસીમાં ગુજરાતમાં સુરત તથા અન્ય સ્થળે સ્પોર્ટ્‌સ ગારમેન્ટનું હબ બનાવવા પ્રાવધાન કર્યું છે. ટેક્ષ્ટાઇલ વેપારીઓના મુશ્કેલીઓનું નિવારણ લાવવા માટે સુરતમાં ટેક્ષ્ટાઇલ પોલીસ મથક બનાવીશું અને ઇકોનોમિક કેસને ક્રિમિનલ ફ્રોડ તરીકે ગણવામાં આવે તે માટે પ્રયાસ કરાઇ રહયો છે.

બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર ચિરંજીબ સરકારે જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપારિક સંબંધો ઘણા મજબુત છે. સુરતના ઉદ્યોગકારો માટે બાંગ્લાદેશમાં ઘણી તકો છે. ખાસ કરીને રેડીમેડ ગારમેન્ટ માટે તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયબર સિકયુરિટી, રિન્યુએબલ એનર્જી અને એગ્રીકલ્ચર ક્ષેત્રે વિપુલ તકો ઉપલબ્ધ છે. તેમણે સુરતના ઉદ્યોગકારોને બાંગ્લાદેશ ખાતે એસઇઝેડમાં રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

ભારત સરકારના ટેક્ષ્ટાઇલ્સ સેક્રેટરી રચના શાહે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એમએમએફ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલનું ભવિષ્ય છે. એના માટે સરકાર પીએલઆઇ સ્કીમ લાવી છે. જેને કારણે ડોમેસ્ટીક પ્રોડકશન કેપેસિટી વધારી શકાશે. ગ્લોબલી નવા માર્કેટ ડેવલપ થઇ રહયા છે, આથી ઉદ્યોગો આ નવી તકને ઝડપી શકે છે. એના માટે ઉદ્યોગોએ કવોલિટી પ્રોડકશન, વેલ્યુ એડીશન અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવું પડશે.

સીટેક્ષ એક્ષ્પોના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડ મશીન – ૪ર૦ સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના, ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા, એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન, પપ૦ આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ, ૧૧૦૦ આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન, એરજેટ – જ્યોર્જેટ 2700 x 2700 tpm યાર્ન અને સુપર હાઇસ્પીડ ટીએફઓ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ વર્ષના સમૃદ્ધિ મેગેઝીનના પાંચમા અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી વર્ષે તા. ૬ થી ૮ જાન્યુઆરી ર૦ર૪ દરમ્યાન યોજાનારા સીટેક્ષ એક્ષ્પો– ર૦ર૪ ની જાહેરાત કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો મહેન્દ્ર કાજીવાલા અને પ્રફુલ શાહ તથા માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર તેમજ સીટેક્ષ એકઝીબીશનના કન્વીનર બિજલ જરીવાલા ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોના કો–ચેરમેનો વિજય મેવાવાલા અને મયૂર ગોળવાલાએ સમારોહમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ચેમ્બરની બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયનાબેન ભકતાએ ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button