વડોદરા : – ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી વડોદરા ખાતે 74માં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રો.ડો.અવની ઉમટએ ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી કેમ્પસ વડોદરામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ઉપસ્થિત પ્રેક્ષકોને સંબોધિત કર્યા હતા. ભવ્ય ભૂતકાળને યાદ કરીને તેણીએ શહીદો અને આપણા સશસ્ત્ર દળોને સલામ કરી અને આપણા મહાન રાષ્ટ્રની પરંપરાઓ અને મૂલ્યોને જાળવી રાખવાની પ્રતિજ્ઞાને નવીકરણ કરવા માટે થોડો સમય લીધો હતો અને તેના પર પ્રકાશ પાડ્યો હતો.
ટીમ TLSU ની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા, તેમણે ‘પુટિંગ ઈન્ડિયા ટુ વર્ક’ પર ભાર મૂક્યો હતો તેમજ યુરોપિયન યુનિયન અને અન્ય 19 દેશોની બનેલી આંતર-સરકારી સંસ્થા G20ની આ વર્ષની આયોજિત સમિટ ભારત દેશના વડપણ હેઠળ થયી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે G20 વર્ષ માટે તાજેતરમાં રજૂ કરાયેલ ખાસ થીમ વસુધૈવ કુટુમ્બકમ વિષે ગર્વ અનુભવ્યો હતો. TLSU વતી તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે “અમે G20 સમિટ સંબંધિત માહિતીપ્રદ સત્ર કરીશું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે તેને લગતી કેટલીક પ્રવૃત્તિઓ કરીશું.”
વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ તેમની દેશભક્તિ અને ભારત દેશના નાગરિક હોવાનો ગર્વ વ્યક્ત કરવા તેમજ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને દર્શાવતા ગીત, નૃત્યો અને કવિતાઓ રજૂ કરી અને ગણતંત્ર દિવસનો અર્થ શું છે તેના વિષે માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 74મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવા માટે TLSUના I/c રજીસ્ટ્રાર પ્રો. ડૉ. એચ.સી. ત્રિવેદી, વિવિધ વિભાગોના વડાઓ, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મીડિયા અને પ્રેસના પ્રતિનિધિઓ TLSU તરસાલી કેમ્પસમાં ઉપસ્થિત રહ્યા હતા.