બિઝનેસ

કાપડ ઉપર જીએસટી દર વધારવાના કેન્દ્રીય નાણાં મંત્રાલયના નોટિફિકેશનને રદ કરવા માટે  દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓને અભિપ્રાય મોકલવા માટે ચેમ્બરની રજૂઆત

બોમ્મઇ કમિટીના ચેરમેન, કેન્દ્રીય નાણાં મંત્રી, ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને સી.આર. પાટીલને પણ રજૂઆત

સુરત. ભારતના નાણાં મંત્રાલય દ્વારા કાપડ ઉપર જીએસટી દર વધારવા સંદર્ભે તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન નંબર ૧૪/ર૦ર૧ ને રદ કરવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, બોમ્મઇ કમિટીના ચેરમેન તથા દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓને લેખિતમાં રજૂઆત પાઠવી છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ભારતના નાણાં મંત્રાલય દ્વારા તા. ૧૮ નવેમ્બર, ર૦ર૧ ના રોજ નોટિફિકેશન નંબર ૧૪/ર૦ર૧ બહાર પાડી કાપડ ઉપરના જીએસટી દરને પ ટકાથી વધારીને ૧ર ટકા કરી તેનો અમલ ૧લી જાન્યુઆરી, ર૦રર ના રોજથી કરવાની જોગવાઇ કરી હતી. જેના સંદર્ભે ભારતભરમાંથી વિરોધ થયો હતો.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા તથા અમદાવાદના મસ્કતિ મહાજન અને ન્યુ કલોથ માર્કેટ એસોસીએશન તથા દેશભરના ટેકસટાઇલ એસોસીએશનો દ્વારા એકજ નેજા હેઠળ ભેગા મળીને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ તેમજ અન્ય રાજ્યોના નાણાં મંત્રીઓને રજૂઆતો કરી જીએસટી કાઉન્સીલની ઇમરજન્સી મિટીંગ બોલાવીને ઉપરોકત નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

દરમ્યાન તા. ૩૧ ડિસેમ્બર ર૦ર૧ ના રોજ નવી દિલ્હી ખાતે જીએસટી કાઉન્સીલની ઇમરજન્સી મિટીંગ મળી હતી. જેમાં દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓ દ્વારા ઉપરોકત નોટિફિકેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ, નોટિફિકેશન બહાર પડી ગયું હોવાથી તેને રદ કરવા માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા વિવિધ પ્રક્રિયા કરવી પડતી હોવાથી નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેશનલાઇઝેશન કમિટી બનાવવામાં આવી છે.

જેના ચેરમેન તરીકે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇની નિમણૂંક કરવામાં આવી છે. આથી બોમ્મઇ કમિટી દ્વારા ટૂંક જ સમયમાં કાપડ ઉપરના જીએસટી દરનો અહેવાલ જીએસટી કાઉન્સીલને સુપરત થવાનો હોઇ દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓ દ્વારા તેઓનો અભિપ્રાય બોમ્મઇ કમિટીને આપશે અને તેના આધારે બોમ્મઇ કમિટી તેનો ફાઇનલ અભિપ્રાય જીએસટી કાઉન્સીલને આપશે.

ઉપરોકત મામલે ચેમ્બર દ્વારા ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરવામાં આવી છે કે, તેઓ દ્વારા ઔપચારિક રીતે કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા નિમવામાં આવેલી બોમ્મઇ કમિટીને કાપડ ઉપર જીએસટી દર વધારવાનું નોટિફિકેશન પરત ખેંચવા માટે પોતાનો અભિપ્રાય મોકલી આપે તેવી વિનંતી કરવામાં આવી છે.

તથા આગામી જીએસટી કાઉન્સીલની મિટીંગમાં આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા, કેન્દ્રીય નાણાં મંત્રાલયે બહાર પાડેલા નોટિફિકેશન નંબર ૧૪/ર૦ર૧ ને પરત ખેંચવા અંગે નવું નોટિફિકેશન બહાર પાડવા માટે પોતાનો અભિપ્રાય પાઠવવામાં આવે તે અંગે પણ ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર દ્વારા ઉપરોકત રજૂઆત લેખિતમાં જીએસટી રેશનલાઇઝેશન કમિટી એટલે કે બોમ્મઇ કમિટીના ચેરમેનને પણ પાઠવી છે. સાથે જ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા દેશના તમામ રાજ્યોના નાણાં મંત્રીઓને પણ પાઠવવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button