બિઝનેસસુરત

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય મુખ્ય કરવેરા અધિકારી સમીર વકીલને જીએસટી સંબંધિત મુદ્દાઓની રૂબરૂ રજૂઆત કરાઇ

વિભાગ તરફથી તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, ગૃપ ચેરમેન સીએ હાર્દિક શાહ, ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન મુકુંદ ચૌહાણ તથા કો–ચેરમેનો રાજેશ ભાઉવાલા, ઇશ્વર જીવાણી, મહેશ સાવલિયા, ચંદુ સુહાગીયા અને પ્રકાશ બંભાણી સહિતના પ્રતિનિધિ મંડળે સુરતની મુલાકાતે આવેલા રાજ્ય મુખ્ય કરવેરા અધિકારી સમીર વકીલની રૂબરૂ મુલાકાત લઇ જીએસટીને લગતા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોઇ પણ વેપારી દ્વારા જો બે મહિના સુધી જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવતું નથી તો તેઓના બેંક એકાઉન્ટ એટેચ કરવામાં આવે છે, જે વિભાગ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કહેવાય છે ત્યારે આવા કેસોમાં બેંક એટેચની પ્રક્રિયા બંધ કરવી જોઇએ. જીએસટી વિભાગ દ્વારા વેપારીઓને ASMT 10 ફોર્મ મારફત સેકશન ૬ર હેઠળ GSTR 2A અને GSTR 3B વચ્ચે તફાવત બાબતે શો કોઝ નોટિસ આપવામાં આવે છે. જ્યારે આ બાબતની વિગતો જીએસટી વિભાગ પાસે એન્યુઅલ રિટર્નમાં ઉપલબ્ધ હોય જ છે તેમ છતાં અધિકારીઓ આવા પ્રકારની નોટિસ ઇશ્યુ કરે છે, જે પ્રક્રિયા બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

ટેક્ષ્ટાઇલ એકમો, જે પેકીંગ મટિરિયલનો ઉપયોગ કરે છે તેના પર ઇનપુટ ટેક્ષ ઊંચો છે અને આઉટપુટ ટેક્ષ ઓછો છે. ટેક્ષ્ટાઇલ ઇન્વર્ડ ડયૂટી સ્ટ્રકચરમાં કાપડ અને ગારમેન્ટ માટે પેકિંગ મટિરિયલનો ટેક્ષ ઇન્વર્ટેડ ડયૂટીમાં આવે છે. સીજીએસટી વિભાગ દ્વારા ઉપરોકત આઇટમ હેઠળ જમા થયેલું આઇટીસીનું રિફંડ તાત્કાલિક ધોરણે રિલીઝ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પેકિંગ મટિરિયલ્સ પર લાગેલા ટેક્ષ ક્રેડિટને બ્લોક કરવામાં આવે છે તથા વેપારીઓ પાસે અપિલમાં જઇ ક્રેડિટ લેવાનો અધિકારીઓ દ્વારા અભિગમ રાખવામાં આવે છે, આથી આવા કેસોમાં કેશ રિફંડ ઓટોમેટિક વેપારીઓને મળવી જોઇએ તેવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય મુખ્ય કરવેરા અધિકારી સમક્ષ કરવામાં આવી હતી.

છેલ્લાં બે વર્ષથી પેન્ડીંગ ASMT 12ના કિસ્સાઓમાં કાર્યવાહી સંતોષકારક પૂર્ણ થઇ છે છતાં પણ ASMT 12 ઇશ્યુ કરવામાં આવતા નથી, આથી ASMT 12 ઇશ્યુ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ દ્વારા ગેરલાયક ITCના કિસ્સાઓમાં DRC 03થી ITC રિવર્સ કરાવવામાં આવે છે, પરંતુ કેસ કાર્યવાહી બંધ થયા બાદ વિભાગ દ્વારા DRC 04 ઇશ્યુ કરવાનું હોય છે. જો કે, વિભાગ દ્વારા DRC 04 ઇશ્યુ કરવામાં આવતું નથી, આથી વિભાગ દ્વારા DRC 04 ઇશ્યુ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

તદુપરાંત SGST વિભાગ દ્વારા એડવાઇઝરી ઇશ્યુ કરવામાં આવી છે, જેને કાયદાકીય પીઠબળ નથી એવા સંજોગોમાં ITC રિવર્સ કરવા દબાણ કરવામાં આવે છે. જેથી વિભાગ દ્વારા દબાણ નહીં કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત એસેસમેન્ટ પ્રોસિજર માટે ચાર મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં (૦૧) relied upon documents શો કોઝ નોટિસ સાથે પાઠવવામાં આવે, (૦ર) વેપારીઓને શો કોઝ નોટિસનો જવાબ આપવા માટે ૩૦ દિવસથી વધુનો સમય આપવામાં આવે, (૦૩) ઓર્ડર પાસ કરતા પહેલાં પર્સનલ હિયરીંગ આપવામાં આવે (વેપારીઓને સાંભળવામાં આવે) અને (૦૪) વેપારીઓને જે ઓર્ડર આપવામાં આવે છે એ હાલમાં ખૂબ જ ટૂંકમાં હોય છે, આથી વિભાગ દ્વારા વિસ્તૃત માહિતીવાળો ઓર્ડર આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆત સંદર્ભે રાજ્ય મુખ્ય કરવેરા અધિકારી સમીર વકીલ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને વિભાગ તરફથી તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button