સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન ઘ્વારા સ્પોર્ટ્સ મીટનું આયોજન
ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 40000 કારીગરોને માનસિક થાક દૂર કરવા રમત ગમતનો સહારો
સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન (એસ.જે.એમ.એ) દ્વારા પાલ ડી-વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં શહેરની ખ્યાતનામ ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર કંપની કિરણ જ્વેલર્સ, જ્વેલ ગોલ્ડ જવેલર્સ, એસઆરકે જ્વેલર્સ, કે.પી. સંઘવી જ્વેલર્સ, ગુરુકૃપા જ્વેલર્સ, મણી જ્વેલર્સ, મેઝરીયા જ્વેલર્સ, એલવી જ્વેલર્સ, વારા જ્વેલર્સ, kalista જ્વેલર્સ, પંછી જ્વેલર્સ, વગેરે ટીમોએ ભાગ લીધો હતો.
એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ જણાવ્યું કે સ્પોર્ટ મિટમાં ક્રિકેટ ઉપરાંત મહિલાઓ માટે 100 અને 400 મીટર દોડ, વોલીબોલ, ચેસ, કેરમ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ મિટમાં ૪૫૦ જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો છે. ક્રિકેટ સ્પર્ધામાં વિજેતા ટીમને એક લાખ અને રનર્સ-અપ ટીમને 50 હજારનું ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે. ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીસિપેટ ગેમ્સમાં વિજેતાને દસ હજાર ઇનામ આપવામાં આવશે.
સ્પોર્ટસ મીટના ચેરમેન દિપક ગઢેસરીયાએ જણાવ્યું કે અમે બે વર્ષથી ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરીયે છે. આ વર્ષે ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોનું પણ આયોજન કર્યું છે. શહેરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા 40,000 જેટલા કારીગરોના મનોરંજન માટે સ્પોર્ટસ મીટ યોજી છે. કારીગરોને માનસિક થાક દૂર કરવા અને શરીરમાં સ્ફૂર્તિ માટે રમત ગમત ખૂબ જરૂરી છે.
કારીગરો અને કંપનીના મેનેજમેન્ટ એકબીજાને પરિવારોને મળે અને તેઓમાં આત્મીયતા વધે તે માટે મીટનું આયોજન કરવામાં આવ્યું છે. એસોસિએશન દર વર્ષે જ્વેલરી એક્સપો અને સ્પોર્ટ્સ મીટનું આયોજન કરે છે. મીટમાં ભાગ લેનાર દરેક કારીગરનું ફ્રી હેલ્થ ચેકઅપ થાય છે. હેલ્થ ચેકઅપના આધારે તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે.