સુરત

સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની વાત એ ગેરસમજ છે: DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરી

લોકોનો વિશ્વાસ સંપાદન કરીને ક્રમશ: સ્માર્ટ મીટરની કામગીરી આગળ ધપાવાશે

સુરત: છેલ્લા સપ્તાહ દરમિયાન સ્માર્ટ મીટર અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ભ્રામકતાઓને રદિયો આપતા તેમજ સ્માર્ટ મીટરમાં જૂના મીટરની સરખામણીએ વધુ બિલ આવતું હોવાની ફરિયાદોના અનુસંધાને જરૂરી સ્પષ્ટતા કરતા DGVCLના એમ.ડી.  યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર એ જુના સ્ટેસ્ટેટીક મીટર જેવું જ છે. સ્માર્ટ મીટર થકી દૈનિક વપરાશ ગ્રાહક અને કંપનીને મળી રહે છે. શરૂઆતમાં ડીજીવીસીએલની કોલોનીમાં મીટર રિપ્લેસ કરાયા છે. પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોંધવાનું કાર્ય કરે છે. આ મીટરથી વીજ વપરાશની સચોટ માહિતી એપ્સના માધ્યમથી દરરોજ કેટલો વપરાશ થયો તેની માહિતી મળી રહે છે.

યોગ્ય જાણકારીના અભાવે તેમજ પોતાના મીટરની જૂની હિસ્ટ્રી મુજબ ગ્રાહક ગત વર્ષના વીજવપરાશની સરખામણી કરશે તો તેને વાસ્તવિકતા સમજાશે કે બિલ વધ્યું નથી, પણ રોજિંદા વપરાશ મુજબ જ મીટર કાર્યરત છે. વીજ કચેરીએ ગેરસમજથી પ્રેરાઈને ફરિયાદ કરવા આવતા ગ્રાહકોને તેમના વીજવપરાશના જૂના ડેટા સાથે સરખાવતા ગ્રાહકોની મૂંઝવણ દૂર થઈ રહી છે.

યોગેશ ચૌધરીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ(RDSS)અંતર્ગત સમગ્ર દેશમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા રાજયોમાં કુલ ૧.૧૦ કરોડ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ ચૂક્યા છે. દ. ગુજ. વીજ કંપની દ્વારા એપ્રિલ મહિના દરમિયાન સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સુધીમાં કુલ ૧૨,૦૦૦ મીટર ફીટ થઈ ચૂક્યા છે.

સ્માર્ટ મીટર લગાડવાથી થનારા ફાયદાઓ વિશે જણાવતા કહ્યું કે, કયારેક માનવભૂલના કારણે કોઈ ગ્રાહકનું બિલ હજારો-લાખોમાં આવી જતુ હોય છે. જે સ્માર્ટ મીટરથી સમસ્યા સર્જાશે નહી. ચોરીની શકયતાઓ પણ નહી રહે. ટેકનોલોજીના વધુ ઉપયોગથી ટ્રેકિંગ સારી રીતે કરી શકીશું.
ચૌધરીએ વધુમાં કહ્યું કે, સ્માર્ટ મીટર જૂના સાદા મીટર કરતા વધુ સિક્યોર છે. સાદા મીટરમાં રોજનો ચોક્કસ વીજ વપરાશ જાણી શકાતો ન હતો, પણ સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાય છે. આ સિસ્ટમમાં વીજળીના વપરાશ વિશે રિયલ ટાઈમ ઈન્ફર્મેશન મળી રહે છે.

તેમણે ઉમેર્યું કે, દ.ગુજરાત વીજ કંપની સ્માર્ટ મીટર લોકોની મૂંઝવણ, સમસ્યાઓને સાંભળીને યોગ્ય નિરાકરણ લાવી રહી છે. વિશેષત: બિલ વધુ આવતું હોવાની ગેરસમજ સામે તેમને સરેરાશ વિજ વપરાશ વિષે માહિતગાર કરીને હકીકત સમજાવશે. સ્માર્ટ મીટરની કામગીરી ક્રમશ: શરૂ રહેશે, પરંતુ લોકોનો વિશ્વાસ સંપાદન કરીને આ કામગીરી શરૂ રખાશે. સાથે સાથે લોકો માટે જનજાગૃતિ અભિયાન ચલાવશે અને તેમને જરૂરી તમામ જાણકારી પૂરી પાડવાની સાથે સાથે લોકો દ્વારા મળેલા સૂચનો પર યોગ્ય અમલ કરાશે.

સ્માર્ટ મીટરનુ બિલ વધારે આવે છે એવી વીજગ્રાહકોની શંકા દૂર કરવા માટે દર ૧૦૦માંથી પાંચ ઘરોમાં જૂનુ મીટર ચાલુ રહેવા દઈને સ્માર્ટ મીટર લગાવાશે. જેથી લોકો પોતાના વીજ વપરાશની બંને મીટરોમાં સરખામણી કરી શકે. સાથે સાથે અન્ય એક સૂચનના અમલના ભાગરૂપે જૂના વીજ મીટરમાં આવેલું બિલ લોકોને એક સાથે ભરવા માટેની સગવડ પણ આપીશું. અત્યારે જૂનુ મીટર કાઢવામાં આવે ત્યારે મીટર કાઢ્યુ હોય ત્યાં સુધીનુ બિલ અલગ નથી અપાતુ. આ રકમ નવા સ્માર્ટ મીટરમાં ગ્રાહકો જ્યારે રિચાર્જ કરાવે ત્યારે થોડી થોડી કરીને કાપવામાં આવે છે, જેથી લોકોને એક સાથે પૈસા ના ભરવા પડે પરંતુ તેના કારણે પણ લોકોને ગેરસમજ છે કે સ્માર્ટ મીટરનુ બિલ વધારે આવી રહ્યુ છે એમ તેમણે કહ્યું હતું.

સૌપ્રથમ સરકારી બિલ્ડીંગોમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ પૂર્ણ કરાશે એમ જણાવી શ્રી ચૌધરીએ ગત એપ્રિલ મહિના દરમિયાન ૧૨ હજાર જૂના મીટરના સ્થાને સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાયા હોવાની વિગતો આપી હતી. સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવાયા બાદ ત્યાં ત્રણથી ચાર દિવસ અગાઉથી DGVCLના કર્મચારીઓ હાજર રહી મીટર બાબતે કોઈપણ સમસ્યા હશે તો તેનું નિરાકરણ કરશે અને લોકોની મીટર વિષે જરૂરી સમજ પૂરી પાડશે.
સુરત શહેર-જિલ્લાના હાલ ૩૫ લાખ વીજગ્રાહકો છે, જેમાં આગામી દોઢ વર્ષમાં ખેતીવાડી તથા હંગામી વીજગ્રાહકો સિવાયના ૧૭ થી ૧૮ લાખ સ્માર્ટ મીટરો લગાવવાનું આયોજન હોવાની વિગતો તેમણે આપી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button