એજ્યુકેશનબિઝનેસ

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો યુવા પેઢીને શૈક્ષણિક જરૂરિયાતો પૂર્ણ કરવા એક મોટી તક પૂરી પાડશે :  રમેશ વઘાસિયા

‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૭, ૧૮ અને ૧૯ મે ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી ભવ્ય શુભારંભ થયો છે. આ એકઝીબીશન ત્રણ દિવસ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૭ મે ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ઉદ્ઘાટક તરીકે પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ  વલ્લભભાઇ સવાણી પધાર્યા હતા અને તેમના વરદ્ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર  રાજેશકુમાર મોદીએ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ભરતભાઇ શાહ, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. દક્ષેશભાઇ ઠાકર, પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ ડો. પરાગભાઇ સંઘાણી, ઓરો યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ શ્રી પરિમલભાઇ વ્યાસ અને વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી જયંતિભાઇ પટેલ આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ ઉદ્ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવી પેઢીને ગુણાવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે સાથે પ્રેકિટલ નોલેજ આપવાની પણ જરૂરિયાત ઉભી થઇ છે. સુરતમાં પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપરાંત સીએફએ કક્ષાનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવું પડશે, જેથી કરીને તેઓ સંબંધિત ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત પૂર્ણ કરી શકે.

તેમણે જણાવ્યું હતું કે, આજે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી તેમજ કોર્પોરેટ કંપનીઓમાં બિઝનેસ એનાલિસ્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વેલ્થ ક્રિએશન, ડેટા એનાલિસ્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચાર્ટર્ડ ફાયનાન્શીયલ એનાલિસ્ટની જરૂરિયાત ઉભી થઇ છે, આથી વિવિધ યુનિવર્સિટી તેમજ શૈક્ષણિક સંસ્થાઓએ સુરતમાં વિદ્યાર્થીઓને આવા પ્રકારનું પ્રેકિટકલ નોલેજ સાથેનું ભણતર આપવાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે વધુમાં કહયું હતું કે, સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો યુવા પેઢીને એક છત નીચે ગુજરાત અને ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ તેમની શૈક્ષણિક જરૂરિયાતો અને કારકિર્દી સંબંધિત મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા વિવિધ વિકલ્પો જોવાની એક મોટી તક પૂરી પાડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button