સ્પોર્ટ્સ
હરમિત દેસાઈની આગેકૂચને સાથિયાને અટકાવી, રિથે પહેલી વાર વિમેન્સ ટાઇટલ જીત્યું
સુરત, 28 જાન્યુઆરી 2023 : પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બીજી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શનિવારે પીએસપીબીના જી. સાથિયાને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રમત દાખવીને આક્રમક બની રહેલા ગુજરાતના હરમિત દેસાઈ (પીએસપીબી)ની શાનદાર આગેકૂચ અટકાવી હતી અને મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતી લીધું હતું.
વિશ્વમાં 40મો ક્રમાંક ધરાવતા સાથિયાને 2022ના ગુજરાત નેશનલ ગેમ્સના ચેમ્પિયન અને સ્થાનિક ફેવરિટ હરમિતને 4-1થી હરાવ્યો હતો. આ સાથે તેણે લગભગ ત્રણ વર્ષના ગાળા બાદ પહેલી વાર નેશનલ ટાઇટલ જીત્યું હતું.
ટોક્યો 2020 ઓલિમ્પિક્સના સાથિયાને ઝડપી પ્રારંભ કર્યો હતો અને સળંગ બે ગેમ જીતી લીધી હતી. જોકે હરમિત દેસાઈએ ત્રીજી ગેમ જીતીને મેચ રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ તામિલનાડુના સાથિયાને બાકીની બે ગેમ જીતીને મેચ પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધુ હતું.
મારા લગ્ન બાદ મારું આ પ્રથમ નેશનલ ટાઇટલ છે. સુરતના ખેલાડીને તેના જ ઘરઆંગણે હરાવવું મારા માટે વિશેષ બાબત છે. મારી આ સફળતાને હું મારી પત્નીને અર્પણ કરું છું. તેમ 30 વર્ષીય સાથિયાને જણાવ્યું હતું.
27 વર્ષની રિથ રિશ્યા ટેનિસન માટે સુરત નસીબવંતુ સ્થળ બની ગયું છે. કેમ કે પીએસપીબીની આ ખેલાડીએ 2022ની ગુજરાત નેશનલ ગેમ્સની વિજેતા સુતિર્થા મુખરજીને હરાવીને કારકિર્દીમાં પહેલી વાર વિમેન્સ સિંગલ્સ નેશનલ ટાઇટલ જીત્યું હતું.
મુખરજી અને રિથ રિશ્યા ટેનિસન વચ્ચે સંઘર્ષપૂર્ણ મુકાબલો થયો હતો. અંતે રિથે તેની ધૈર્યપૂર્ણ રમત દ્વારા 4-2થી મેચ જીતી લીધી હતી.
ટેનિસને જણાવ્યું હતું કે હું સાતથી આઠ ફાઇનલ રમી છું પરંતુ દરેકમાં મારો પરાજય થયો હતો. આજે હું પરિણામની ચિંતા કર્યા વિના કે તે અંગે વિચાર્યા વિના મેરીટ મુજબ રમી હતી.
મિક્સ ડબલ્સની ફાઇનલમાં પાયસ જૈન અને યશસ્વિની ઘોરપાડેએ એફઆર સ્નેહિત તથા દિયા ચિત્તલેને 3-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
તમામ ફાઇનલના પરિણામોઃ
મેન્સઃ જી. સાથિયાન જીત્યા વિરુદ્ધ હરમિત દેસાઈ 4-1 (11-8, 18-16, 5- 11, 11-4, 11-5)
વિમેન્સઃ રિથ રિશ્યા ટેનિસન જીત્યા વિરુદ્ધ સુતિર્થા મુખરજી 4-2 (11-7, 12-10, 8-11, 6-11, 15-13, 11-8)
મિક્સ ડબલ્સઃ પાયસ જૈન અને યશસ્વિની ઘોરપાડે જીત્યા વિરુદ્ધ સ્નેહિત રફીક ફિડેલ અને દિયા ચિતલે 3-2 (11-9,0-11,6-11,11-4,11-7)
અંડર-19 બોયઝઃ અંકુર ભટ્ટાચાર્યજી જીત્યા વિરુદ્ધ દિવ્યાંશ શ્રીવાસ્તવ 4-0 (12-10,11-2,11-3,11-4)
ગર્લ્સઃ જેનિફર વર્ગિસ જીત્યા વિરુદ્ધ સાયલી વાણી 4-1 (9-11,11-2,11-7,11-9,11-3)