સુરત:શનિવાર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકા તથા સુડાના રૂા.૨,૪૧૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા ગર્વભેર જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું ‘ઘરના ઘર‘નું શમણું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. દરેકને માથે છતની નેમને અનુસરીને રાજ્ય સરકારે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૦ લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે, જે પૈકી લાભાર્થી પરિવારોને ૭ લાખ આવાસોનું પઝેશન પણ મળી ચૂક્યું છે.’
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા, ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉધના દરવાજા, રિંગ રોડ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ રૂ.૧,૩૪૪ કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના આઈકોનિક મુખ્ય વહીવટી ભવનના રૂપમાં સાકાર થનાર દેશની સૌથી ઊંચી ઓફિસ બિલ્ડીંગ સહિતના રૂ.૧૫૬૦ કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત અને રૂ.૮૦૮.૬૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ.૪૭ કરોડના ખર્ચે સુડા નિર્મિત PM આવાસ યોજનાના ૫૦૩ મકાનોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ યોજાયો હતો. જેમાં પ્રતિકરૂપે ૭ લાભાર્થીઓને ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતે શહેરીકરણ, સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે સફળ કામગીરી કરી બતાવી છે. સુરત વિશ્વ કક્ષાનું શહેર બને એ માટે પાલિકાના નવા આઈકોનિક ભવન સહિત ડુમસ સી ફેઝ પ્રોજેક્ટ અને ઈકોટુરિઝમ, તાપી શુદ્ધિકરણ, તાપી નદી પર બહુહેતુક કન્વેન્શન બેરેજ, ફ્લડ પ્રોટેક્શન વોલ, નવું ગાંધીસ્મૃતિ ભવન ઓડિટોરીયમ, શહીદ સ્મારક, સ્મીમેર હોસ્પિટલ વિસ્તરણનું કાર્ય, સ્કૂલોના રિનોવેશન અને નવી શાળાઓનું બાંધકામ જેવા વિકાસ પ્રકલ્પો પ્રગતિમાં છે, અને પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ થાય એ દિશામાં સુનિયોજિત કાર્ય થઈ રહ્યું છે. જનસુવિધા વધારતા પ્રકલ્પો ઝડપભેર પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકાને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વડાપ્રધાન ગ્રીન એનર્જીના પ્રેરક છે, તેમના સ્વચ્છ ઉર્જાના વિઝન અનુસાર પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે સુરત મહાનગરપાલિકા વર્ષ ૨૦૨૫ સુધીમાં શહેરી બસ સેવાની તમામ બસોને ઈ-બસોમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે એમ જણાવી આ પહેલની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત્તકાળમાં દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનું સ્વપ્ન સેવ્યું છે ત્યારે ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.
આ વેળાએ આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી. સાથોસાથ આઝાદીના અમૃત્ત કાળમાં સુરતવાસીઓ વિકાસની રાહમાં જોડાઈને અગ્રીમ સહયોગ આપે તેમજ સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને અપ્રતિમ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બન્યું છે, ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી. પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોને આવકારતા સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ભૂમિપૂજન થયું તે આઈકોનિક બિલ્ડીંગ ભારતનું સૌપ્રથમ સૌથી ઊંચું G±૨૭ માળનું પાલિકાનું નવું ઓફિસ બિલ્ડીંગ સુરતમાં આકાર લેશે. ૧૦૫.૩ મીટર ઊંચી G±૨૭ માળની બે અદ્યતન આઈકોનિક ઈમારતો દેશની સૌથી ઊંચી સરકારી ઈમારત બનવાનું બહુમાન મેળવશે. જેનો રાજ્ય-કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા સંયુક્ત ઉપયોગ કરશે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડિયા, સંદિપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ઘોઘારી, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી અરવિંદ વિજયન સહિત પાલિકાના પદાધિકારી-અધિકારીઓ, અગ્રણીઓ અને શહેરીજનો, PM આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.